વિવિધ ક્ષેત્રે રાજ્યકક્ષાએ પહોંચેલી બાલિકાઓએ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સમિતિઓના ચેરમેન બની મહિલા કલ્યાણના મુદ્દાઓની ચર્ચા કરી
મોરબી જિલ્લા પંચાયત ખાતે આજે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભા અન્વયે મહિલા કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભા તો બધી જગ્યાએ યોજાતી હોય પરંતુ આ સામાન્ય સભામાં ખાસ હતી કારણ કે, આ સામાન્ય સભા ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત યોજાઇ હતી. રાષ્ટ્રીય/રાજ્ય/જિલ્લા કક્ષાએ નામના મેળવેલી બાલિકાઓ દ્વારા આ સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલિકાઓને સમાજમાં રહેલ ભેદભાવ દૂર કરી સમાનતા લાવવા અને તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તેમજ લોકશાહીના મૂલ્યો તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા આશયથી’ ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ વિભાગ તેમજ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવાનો તેમજ તેમના સુધી અને તેમના પરિવાર સુધી સરકારી તમામ યોજનાનો લાભ પહોંચાડવાનો છે. જેથી દીકરીઓને તમામ ક્ષેત્રે સમાન અધિકાર મળે અને દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય.
રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીકરીઓના હાથે જ કરવામાં આવ્યું હતું. ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓની ચેરમેન બનેલી દીકરીઓ રમત ગમત ક્ષેત્ર સંગીત ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે મોરબીની લીના ભરડીયા, સ્નેહા મારૂ, આર્યા પટેલ, સંસ્કૃતિ ગોહિલ અને નીલમ બાવળિયાએ રાષ્ટ્ર્ર્રીય/રાજ્ય/જિલ્લા કક્ષાએ નામના મેળવી છે. આ દીકરીઓ બધાની પ્રેરણા બને તે અનુસંધાને ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દીકરીઓ પોતાના ક્ષેત્રમાં હજી ખૂબ ને ખૂબ આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પૂર્ણા બાલિકાઓની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ અને સમાજ વ્યવસ્થા, દીકરીઓના હિતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સામાજિક-શૈક્ષણિક ભેદભાવ, જાતિગત ભેદભાવ, સ્ત્રીના હક તેમજ અધિકારો અને બાળ લગ્ન, દહેજ પ્રથા વગેરે જેવા દૂષણો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓના આરોગ્ય માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ, મહિલાઓને મળતી મફત કાનૂની સહાય, મહિલા શિક્ષણ અને આરોગ્યલક્ષી યોજનાઓ, સ્ત્રી-પુરુષ જન્મદર વચ્ચેનો તફાવત અને તેના કારણો તથા દીકરીઓના પોષણ સ્તરને સુધારવા માટેના પગલાંઓ વગેરે અંગે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન બનેલી બાલિકાઓના હસ્તે જ વ્હાલી દિકરી યોજનાના હુકમનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મહાનુભાવના હસ્તે આ બાલિકાઓને નેમ પ્લેટ તેમજ જેમના ઘરે તાજેતરમાં જ દીકરીનો જન્મ થયો હોય તેવા વાલીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાલિકાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી. કાતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા મહિલા બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ, પૂર્ણા કિશોરીઓ અને મહિલાઓ વગેરે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.