મોરબી : શકત શનાળા ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

શકત શનાળા ગ્રામ પંચાયતના સહયોગથી અને શકત શનાળા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત 75 માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ધ્વજ વંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન પ્લોટ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 ની વિદ્યાર્થિની સોલંકી પ્રગતિ મુકેશભાઈએ કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શાબ્દિક સ્વાગત કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડે કર્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના, સ્વાગત ગીત, અભિનય ગીત, ભક્તિ ગીત, દેશભક્તિ ગીત, રાસ, કોરોના થીમ ,એકપાત્ર અભિનય, અને પિરામિડ જેવી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રામ પંચાયતના સહયોગથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

ઉતરાયણ પર્વ માં સૌથી વધુ પતંગનો દોરો એકત્ર કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી મા જીવદયા ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા,ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, ગામના આગેવાનો,ગામ ગ્રામજનો,વાલીઓ, આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળતા બક્ષવા માટે શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો,અધિકારીઓ,પદાધિકારીઓ,દાતાઓ,આમંત્રિત મહેમાનો તથા સૌનો આભાર કુમાર શાળાના મદદનીશ શિક્ષક રાજેશભાઈ મારવણીયએ માન્યો હતો. કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા એ કર્યું હતું.