મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી, ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી

ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તા.૧૬ માર્ચ ૨૦૨૪ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર (૧) દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૧૬-૦૩-૨૦૨૪ સુધી સવારના-૦૮:૦૦ કલાકથી રાત્રીના-૨૨:૦૦ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.