નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મોરબી ખાતેના કાર્યક્રમમાં મહિલાઓને ૨૬ લાખથી વધુની સહાય અપાઈ, આજે દેશ એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે જેમાં મહિલાઓનું શ્રેષ્ઠ યોગદાન
સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાનાર નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં પંચાસર નજીક નારી શક્તિને વંદન કરવાના કાર્યક્રમનું મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ અંતર્ગત સમગ્ર રાજ્યમાં જ્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પાટણ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની સમાંતર મોરબીમાં ટંકારા, વાંકાનેર તેમજ મોરબી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નારી શક્તિને વંદન કરતા જણાવ્યું હતું કે, નારી એ ત્યાગની મૂર્તિ છે માટેજ પુરાણોથી તેમનું પૂજન થતું આવ્યું છે. આજે અનેક ક્ષેત્રે નારીઓ તેમની દિવ્ય શક્તિ થકી સુંદર કામગીરી કરી રહી છે. આજે દેશ એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે જેમાં મહિલાઓનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે. સરકાર દ્વારા અનેક મહિલા શક્તિ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ઉજ્જવલા યોજના થકી અને માતાઓને ધુમાડામાંથી મુક્તિ મળી છે. આરોગ્ય અને પોષણલક્ષી યોજનાઓ થકી મહિલાઓ અને બાળકોનું આરોગ્ય સુરક્ષિત બન્યું છે. કુપોષણ અને પ્રસૂતાઓના મૃત્યુ જેવા કિસ્સાઓ નહિવત બન્યા છે. કરોડો ઘરમાં શૌચાલયની સુવિધા પ્રાપ્ત થઈ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો માતાઓને ઘરનું ઘર પ્રાપ્ત થયું છે. ત્રિપલ તલાકનો કાયદો નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. ગંગા સ્વરૂપા બહેનો વિધવા પેન્શન યોજના થકી આર્થિક અને સામાજિક રીતે સુરક્ષિત બની છે. આપણી તેજસ્વિની દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે વિવિધ સ્કોલરશીપ આપાવામાં આવી રહી છે. આજે આપણી દિકરીઓ બોર્ડર પર તૈનાત છે, વિમાન ઉડાવી રહી છે. એક પણ ક્ષેત્રે મહિલાઓ પાછળ નથી રહી.
આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક યોજનાઓ શરૂ કરી અને અનેક જાગૃતિલક્ષી પ્રયાસો કર્યા છે. આપણા મોરબી જિલ્લામાં મહિલા સંચાલિત ડેરી એક આદર્શ બની છે. હવે અહીં જ દૂધનું પેકિંગ થાય અને ડેરીનું ટર્નઓવર વધે તે તરફના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બહેનો શિક્ષણમાં આગળ આવે તે માટે પણ વિવિધ યોજનાઓ વડાપ્રધા ના નેતૃત્વમાં સરકાર અમલી કરવામાં આવી છે. મહિલાઓ આજે સરકારના સહકાર થકી નાના-મોટા વ્યવસાય કરી આગળ વધી રહી છે અને પરિવારને મદદરૂપ બની રહી છે. આજે સરકાર દ્વારા રાજકીય ક્ષેત્રે પણ મહિલા શક્તિને અનામત આપવામાં આવી છે જેથી રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ આગળ આવી છે.
જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, અને આજે મહિલા અનેક ક્ષેત્રે આગળ વધી છે. આજે અનેક ક્ષેત્રે મહિલાઓ પુરુષ કરતા પણ આગળ વધી છે. પુરાણોમાં લખ્યું છે કે, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આજે કન્યા કેળવણી અને અન્ય અભિગમ થકી ૨૦ વર્ષના પરિણામમાં મહિલા પરના અત્યાચાર અને અન્ય પ્રવૃતિઓ નહિવત બની છે. બહેનોને મળવા પાત્ર તમામ હકો મળે, સખી મંડળમાં વધુ ને વધુ બહેનોને જોડાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આપણા સખી મંડળ કરોડોનું ટર્ન ઓવર કરે તે માટે સરકાર અને વહીવટી તંત્ર મહિલાઓની સાથે છે, તેમને તમામ માર્ગદર્શન અને મદદ આપીશું. તમામ મહીલાઓ સરકારની કોઈ યોજનાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરીશું.
આ પ્રસંગે મહિલાઓને સખી મંડળને લોન સહાય, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પ્રમાણપત્ર, વર્ક ઓર્ડર, એન.આર.એલ.એમ.યોજના હેઠળ સી.સી. લોન સી.આઈ.એફ. ફંડ, વ્હાલી દીકરી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ, ૨૬,૯૩,૬૯૫ થી વધુની સહાય મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લામાં સખી મંડળ તેમજ વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન મેળવેલી મહીલાઓએ નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પ્રસંગોચિત રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમ અન્વયે વડાપ્રધાન ની ગરીમામયી ઉપસ્થિતિમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને મુખ્યમંત્રીની ગરીમામયી ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ પણ સૌ ઉપસ્થિતોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
નારી વંદના કાર્યક્રમમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનશ્રી સંગીતાબેન, અગ્રણી સર્વ રણછોડભાઈ દલવાડી, નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને મહિલા અગ્રણીઓ તેમજ મોરબીની મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.