છોડો નશા ઓર શરાબ, ન કરો જીવન ખરાબ
કુછ પલ કા નશા, સારે જીવન કી સજા
નશો માણસને આર્થિક, માનસિક અને શારીરિક રીતે પતાવી દે છે
મોરબી જિલ્લા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે ક્ષમતા નિર્માણ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ આયોજન અંતર્ગત ખાસ કરીને વ્યસન મુક્તિના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
આપણા સમાજમાં લગભગ મોટાભાગના યુવાનો અત્યારે તમાકુ જેવા કોઈને કોઈ પ્રકારના વ્યસનની કુટેવ ધરાવે છે. ત્યારે વ્યસનથી થતાં નુકસાન વિશે જાગૃતિ આવે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કર્મચારીઓ સાથે ક્ષમતા નિર્માણ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હર ઘર વ્યસન મુક્ત હોવું જોઈએ તેવો છે. આપણે સૌ દેશનું ભવિષ્ય છીએ, આપણે કોઈ પણ પ્રકારના વ્યસનનો શોખ તરીકે ઉપયોગ ન કરવો જોઈએ અને બને તેટલું તેનાથી દૂર રહેવું જોઈએ. વધુને વધુ યુવાનોને જાગૃત કરી આપણે એક મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો નશાને જડમૂળથી નાબૂદ કરવો પડશે.
મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર દ્વારા નશામુક્ત ભારત વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પંડ્યાએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેશન એક્ટ ૧૯૮૫ વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. પ્રોબેશન ઓફિસર ડો. મિલનકુમાર પંડિતે નશામુક્ત ભારત અભિયાન પ્રસ્તુતતા અને આવશ્યકતા વિશે લોકોને માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન બ્રહ્માકુમારીના જુલી દીદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નશા મુકત ભારત અને મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, બ્રહ્માકુમારી જુલીબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર મંગળુભાઈ ધાંધલ, પ્રોબેશન ઓફિસર ડો. મિલનકુમાર પંડિત, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ અને મોરબીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.