સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’

૩૦, ૬૦૦ થી વધુ સગર્ભાને મદદરૂપ બનતી “ખીલખીલાટ વાન”

મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતી સતત દોડતી અને નિ:શુલ્ક સેવા આપતી વાન કે જેના દ્વારા ઘરેથી  હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત પહોંચી શકાય છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓને તેમના નવજાત ભૂલકાંઓ સાથે સલામત-આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવાની અવિરત સેવા ‘‘ખિલખિલાટ વાનના’’માધ્યમથી આપવામાં આવે છે.  ઉપરાંત બીમાર બાળકને હોસ્પિટલથી ઘર સુધી વિનામુલ્યે પહોંચાડવામાં પણ ‘‘ખિલખિલાટ વાનની’’ સેવા મદદરૂપ થઈ રહી છે. ખિલખિલાટ વાનની સેવા રાજ્ય સરકાર અને EMRI Green health service  દ્વારા ચલાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લઈ જવા માટે ૮ જેટલી ‘‘ખિલખિલાટ વાન” સતત કાર્યરત છે. આ સેવાના લીધે મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબી જિલ્લામાં ‘ખિલખિલાટ વાનની’ સેવા ૩૦,૬૦૦ થી વધુ સગર્ભાઓને મદદરૂપ બની છે.