સામાજિક પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ એટલે જ્યોતિબેન, દિવ્યાંગ લગ્ન સહાયથી પગભર બની રોજગારી મેળવી; જીવન થયું સુગમ
સરકાર દ્વારા દિવ્યાંગોને સમાજના મુખ્યપ્રવાહમાં ભેળવી તેમનો સંપૂર્ણ વિકાસ થાય તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની સહાય માટે કામગીરી કરવામાં આવી રહી છે. હળવદ તાલુકાના મયૂરનગર ગામના વતની જ્યોતિબેન ભૂપેન્દ્રભાઇ હુંબલને દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મળ્યો હતો.
લાભાર્થી જ્યોતીબેને જણાવ્યું હતું કે, હું દિવ્યાંગ હોવાથી મને ઘણા બધા કામ કરવામાં મુશ્કેલી પડતી હતી, ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ખુબ જ નબળી હતી. જેથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા પહેલા મારા પાસે રોજગારીનું કોઈ સાધન ન હતું, છૂટક મજૂરી કરવી પડતી અને પરિવારનું ગુજરાન ચાલતું હતું.
જ્યોતીબેને વધુમાં જણાવ્યું હતું કે મને સાંભળવાની ક્ષતિ હોવાથી સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગ લગ્ન સહાયના રૂ. ૫૦,૦૦૦ મળેલ છે. દિવ્યાંગ લગ્ન સહાય મળ્યા બાદ મારી પરિસ્થિતિમાં આર્થિક તેમજ સામાજિક પરિવર્તન આવ્યું છે. મને મારી અપેક્ષા મુજબ આર્થિક રીતે પુનઃસ્થાપિત થવામાં આ સહાય મદદરૂપ થયેલ છે. દિવ્યાંગ લગ્ન સહાય થકી મળેલ રૂ. ૫૦,૦૦૦ માંથી ખાણી-પીણીનો ધંધો શરૂ કર્યો છે અને આમાંથી અમારા પરિવારનું ગુજરાન ચલાવું છું. પહેલા જ્યારે સહાય નહોતી મળી ત્યારે માત્ર મજૂરીમાંથી મારી જરૂરિયાત પૂર્ણ થતી ન હતી. મને વારંવાર હેરાનગતિ અને ચિંતા થતી હતી. આ સહાય મળ્યા બાદ હું આર્થિક રીતે સક્ષમ બનેલ છુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સામાજિક સર્વાંગી વિકાસની સાથો સાથ માનવ જીવનના ઉચ્ચત્તમ મૂલ્યોના વિકાસને મહત્વ અપાયું છે. રાજ્ય સરકારે માત્ર છેવાડાના સામાન્ય વ્યક્તિ જ નહી, અસહાય વ્યક્તીઓ પણ સમાજમાં સ્વમાનથી સ્વાવલંબી જીવન જીવી શકે તેવા પ્રયાસો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે તો દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ. ૫૦,૦૦૦ + રૂ. ૫૦,૦૦૦ લેખે રૂ. ૧,૦૦,૦૦૦ ની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૫૦,૦૦૦ ની સહાય મળવા પાત્ર છે. આ યોજના હેઠળ લગ્ન કર્યા તારીખથી ૨ વર્ષની અંદર લાભ મળવાપાત્ર છે. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે.