મોરબી : પૂર્વ પરવાનગી વિના સભા/સરઘસ કાઢવા કે ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી દરમ્યાન સમગ્ર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ-શાંતિનો ભંગ થતો અટકાવવો અત્યંત જરૂરી જણાતો હોય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્‍લાના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવુ નહી. સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે.

આ જાહેરનામું ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષાક દળની વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને કે સ્મશાન યાત્રાને લાગૂ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ જાહેરનામું તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.