C-Vigil એપ નાગરિકો માટે બની આચારસંહિતા ભંગ અંગે ફરિયાદો નોંધાવવા માટેનું મહત્વનું માધ્યમ
મોરબી જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો અમલી હોવા છતાં જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી આવેલી કુલ ૩૩ ફરિયાદોનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક જ નિકાલ કરાયો છે.
મોરબી જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી ઝવેરીના નેતૃત્વમાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર અત્યારે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત C-Vigil મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.
મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૩૩ જેટલી ફરિયાદો નોંધાઈ છે જે પૈકી આદર્શ આચારસંહિતા ભંગની ૨૬ ફરિયાદો હતી જેનો તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાં ૧૪ ફરિયાદ ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૫ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૭ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ હતી આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનું યોગ્યુ નિરાકરણ કરવામાં આવ્યું છે.
કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ? આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણી પંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ C-Vigil એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે, કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં, જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ ૧૦૦ મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં કેવી કેવી ફરિયાદો આવી છે? મોરબી જિલ્લાના વિવિધ મતવિસ્તારમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની ફરિયાદો આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ તમામ ફરિયાદોનો તાત્કાલીક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.