મોબાઈલના માધ્યમથી મેળવી શકાશે મતદાન માટેની બુથ સ્લિપ ૧૯૫૦ નંબર ઉપર ECI <Space> (voter ID) SMS કરવાથી મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાશે
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે તા. ૭ મે, ૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થશે. નાગરિકોને આંગળીના ટેરવે બુથ અંગેની વિગતો મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકો પોતાની બુથ સ્લિપ કઈ રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બુથ સ્લિપ માટે ૧૯૫૦ નંબર ઉપર SMS કરવાનો રહે છે. ૧૯૫૦ નંબર ઉપર ECI <Space> (voter ID) SMS કરવાથી ૧૫ સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લિપ મેળવવાની આ વિગતોથી વાકેફ થઈએ અને અન્યને પણ વાકેફ કરીએ તેમજ આવી વિગતોને હાથવગી રાખીએ.
૧૯૫૦ પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રત્યુતર મળે છે, તેમાં લખ્યું હોય છે કે ECI નો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ મેસેજમાં નામ, ભાગ નંબર, ક્રમ નંબર, ECI સહિતની વિગતો ઉપલબ્ધ થશે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ અને કરાવીએ.