મોરબી જિલ્લામાં ૮૫ વર્ષથી વધુના મતદારોને ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયાનો શુભારંભ

મોરબીમાં ૮૮ વર્ષની વયે લોકશાહી ધર્મ નિભાવી ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરતા વયોવૃદ્ધ મતદાતા જયાબેન શાહ

મોરબી જિલ્લામાં ૮૫+ વરિષ્ઠ મતદારો તેમજ ઘરેથી મતદાન કરવા ઈચ્છતા દિવ્યાંગ મતદારો માટે ઘરેથી મતદાન કરવાની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના સંલગ્ન મતદારો ઘરેથી મતદાન કરી લોકશાહીના પર્વમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા ૮૫+ ઉંમરના વરિષ્ઠ મતદારો તેમજ દિવ્યાંગ મતદારોને બેલેટ દ્વારા ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. ત્યારે હાલ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં ઘરેથી બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ કામગીરીના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૮૫+ વરિષ્ઠ મતદાતાઓને પોતાના ઘેર મતદાનની સુવિધા પુરી પાડવામાં આવી છે. ત્યારે ૮૮ વર્ષની વયના વયોવૃદ્ધ મતદાર જયાબેન એચ. શાહ દ્વારા મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવતા ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.