માણેકવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં , વિકાસમાં,સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે

બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૩ થી ૮ ના બાળકોએ ઉમેદવાર તરીકે નામાંકન કરી ઉમેદવારી નોંધાવી હતી. ચુંટણી પ્રક્રિયા માટે પ્રમુખ અધિકારી,પોલિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારી,સહાયક તેમજ મતદાન એજન્ટની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શાળાના ધો.૩ થી ૮ ના તમામ બાળકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને બાળકોમાંથી સૌથી વધુ મત મેળવેલ આઠ બાળકોને ચૂંટાયેલ પ્રતિનિધિ જાહેર કરવામાં આવ્યા હતાં.

સમગ્ર પ્રક્રિયા શાળાના શિક્ષક જીજ્ઞેશભાઈ સાણંદિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સૌ શિક્ષકોએ સહયોગ આપેલ. આ તકે શાળાના આચાર્યશ્રી એ જણાવ્યું હતું કે બાળ સંસદ રચના અને તેની પસંદગીની પ્રક્રિયા આવતીકાલના નાગરિક તરીકે બાળકોમાં દૃષ્ટિ અને દિશા માટે પ્રેરક રહેશે..તેમજ આગામી લોકસભા ચૂંટણી પર્વમાં ૧૦૦ ટકા મતદાન માટે બાળકો પોતાના પરિવારને સંદેશ આપશે.