જિલ્લા ચૂંટણી અધિકારીએ નોડલ અધિકારીઓને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બુથ મુલાકાતના આપ્યા આદેશો
લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરકે.બી. ઝવેરીએ હીટ વેવને ધ્યાને લઈ મતદાન મથક પર ફરજ નિભાવતા કર્મચારીઓ માટે મંડપ સહિતની જરૂરી વ્યવસ્થાઓ, બુથ પર તમામ નોડલ અધિકારીઓને મુલાકાત કરવા, મતદાન મથક પર સ્વચ્છતા બાબતે સમીક્ષા કરવા, વેબકાસ્ટિંગ કેમેરા, ચાર્જિંગ પોઈન્ટ માટેની વ્યવસ્થા તથા અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.
નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરએ તમામ બુથ પર પોલીંગ સ્ટાફ માટે વેલ્ફેર કીટ, મેડિકલ કીટ, તમામ બૂથ પર ORS મેડિકલ કીટ તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા, જે મતદાન મથક પર છાંયડાની વ્યવસ્થા ન હોય તેવી જગ્યાએ મંડપની વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે સંલગ્ન નોડલ અધિકારીઓને સુચના આપી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ મતદાન મથક પર પંખા, ખુરશીની વ્યવસ્થા ગોઠવવા, શૌચાલય પર પાણીની વ્યવસ્થા પોલિંગ સ્ટાફની જમવાની વ્યવસ્થા ગોઠવવા, દરેક મતદાન મથક પર સહાયતા કેન્દ્ર, રાત્રી રોકાણ સ્ટાફને કીટ અને નાસ્તાની વ્યવસ્થા ગોઠવવા દરેક મતદાન મથક પર PWD મતદારો માટે વ્હીલચેર, વાહન તથા સહાયકની વ્યવસ્થાઓ ગોઠવવા નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં આચારસંહિતા(MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા સહિત વિવિધ વિભાગ/કચેરીના વડાઓ હાજર રહ્યા હતા.
ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી સહિત ચૂંટણી શાખાના અધિકારી/કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.