નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ગ્રાહક સુરક્ષા કાયદાના વિષયને અનુરૂપ નિષ્ણાત તજજ્ઞ પાસેથી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

જેમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા શું છે? ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? ગેરરીતિ કરનાર સામે કયા પ્રકારના કેસો થઈ શકે એ અંગે ડો. હરેશભાઈ સંઘવી દ્વારા માર્ગદર્શન અપાયું હતું. જેઓ આ કાયદાના એકેડેમીક 17 વર્ષના અનુભવી તેમજ ગ્રાહક સુરક્ષા પર Ph.D. કરેલ છે.

ડો.હરેશ સંઘવી દ્વારા ગ્રાહકોને નિભાવવાની થતી ફરજો અને અધિકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, અને જણાવ્યું હતું કે, હકીકતે ગ્રાહક બજારનો રાજા છે, જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય તેમજ બજારમાં છેતરતા વેપારી તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારોનો ઉપયોગ કરે તો આ અનૈતિક કાર્યો અટકી શકે. તેમજ વધુ માહિતી આપતા જણાવેલ કે વસ્તુ અને સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિ નો ભોગ બનનાર ગ્રાહકો માટે ગ્રાહક અદાલતના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય છે. જેનો દરેકે ઉપયોગ કરવો જોઈએ. માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવા ના આપે તો એવા વ્યાપારીઓ થી ગ્રાહકના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે. દરેક ગ્રાહકને તેના રૂપિયાનું ચોક્ક્સ અને વાજબી વળતર મળવું જોઈએ..

વેપારીઓ અને કંપનીઓ દ્વારા ગ્રાહકને છેતરાતા અટકાવવા ગ્રાહક સુરક્ષાના કાયદાનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ જાહેર હિતની અરજી PIL કેવી રીતે કરવી તેના વિશે પણ માહિતી આપવામાં આવેલ.

કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વરમોરા તેમજ ડાંગરસર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રમુખ કાંજીયાનું માર્ગદર્શન મળેલ અને વિદ્યાર્થીઓમાં આ પ્રકારના કાર્યક્રમો થતા રહે તે માટે પ્રેરણા પૂરી પાડેલ.