રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બુથોના નિયમન બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ જાહેર થતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ થાય મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા વિવિધ પ્રતિબંધો/નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બુથોની બાબતમાં વિવિધ નિયંત્રણો નાખતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ૭ મે ના રોજ મતદાનના દિવસે મોરબી જિલ્લાના નક્કી થયેલ મતદાન મથકના ૨૦૦ મીટરવિસ્તારમાં ચૂંટણી સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને ઉમેદવારોના નામ, પ્રતિક કે પક્ષના નામ વગરની મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે (સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નિયમોને આધીન). આવા સ્થળે ઉમેદવાર ૪ X ૮ ફુટનું ફકત ૧ (એક) બેનર રાખી શકશે.
છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી વ્યવસ્થા કરી શકશે, જેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહી. મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણીએ સંબંધી પત્રિકાઓનું વિતરણ થઇ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઇ કૃત્ય કરી શકાશે નહી. મતદારને કોઇ ઉમેદવારની તરફેણમાં કે વિરૂધ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકશે નહી, કે કોઇપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી.
મતદાનના દિવસે મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી ૧૦૦ મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામુ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ તથા ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૮૮, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ તથા ચૂંટણી સંચાલનના નિયમો મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.