૫ મેના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો તાત્કાલિક છોડી જવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ હેઠળ મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઈ છે. જે મુજબ ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ પણ મત વિસ્તાર છોડી દેવાનો રહે છે.
મોરબી જિલ્લામાં ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, લોકો કોઈપણ પ્રકારના ભય વગર મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ ઉક્ત સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના લોકસભા મતદાર વિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો છોડી જતા રહેવું.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.