જબલપુર ખાતે મતદારોની આગતા સ્વાગતમાં કરાયું અનન્ય સુશોભન; લાલ ઝાઝમથી અપાયો આવકાર

‘આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો, મતદારોને વધાવો રાજ તોરણ બંધાવો’, ૬૬-ટંકારાના જબલપુર મતદાન મથકમાં ગુજરાતની ભાતિગળ ગ્રામ્ય સંસ્કૃતિના આલેખનથી ઉભું કરાયું મન મોહક મતદાન મથક

નજર કરો ને મનડું મોહી લે તેવું મતદાન મથક એટલે ટંકારાના જબલપુર ગામનું મતદાન મથક હો ! ગુજરાતની ધરોહર અને ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિને માંડવડે મઢીને મોરબીમાં ૬૬-ટંકારા મતવિસ્તારમાં આવેલ જબલપુર મતદાન મથકને સાજ શણગાર આપી મનમોહક બનાવવામાં આવ્યું છે. જ્યાં મતદારને આવતા જ એવી અનુભૂતિ થાય કે કાં તો કોઈના લગ્નના મંડપમાં આવી ગયા અને કાં તો છે આ કોઈ ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતું મ્યુઝિયમ.

જેવો અમૂલ્ય આ ગુર્જર પ્રદેશ એવી જ અમૂલ્ય અહીંની સાંસ્કૃતિક ધરોહર. ઇન્દ્ર ધનુષના સાત રંગો છે જ્યારે ગુજરાતની ધરોહરમાં તો અનેક રંગોની ભરમાર છે અને આ રંગો હજીયે સોળે કળાએ ખીલે છે ગ્રામીણ સંસ્કૃતિની સોડમાં. ત્યારે ગ્રામીણ સંસ્કૃતિના એ રંગોને ખોબે ખોબે છલકાવી અનેરી આભાર ઉભી કરવામાં આવી છે મોરબી જિલ્લાના જબલપુર મતદાન મથકમાં. ચૂંટણી તંત્ર દ્વારા આંગણું સજાવી, તોરણ બંધાવી જાણે કે મતદારોના વધામણા જ કરવામાં આવી રહ્યા છે. મતદારો આ મતદાન મથકે હોશે હોશે આવી મતદાન કરી અલભ્ય અનુભૂતિ કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીકુલદીપસિંહ વાળા, ટંકારા મદદનીશ ચૂંટણી અધિકારી સુબોધકુમાર દુદખીયા અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિશેષ મતદાન મથકમાંથી જબલપુર ખાતે આ અનન્ય મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે.

ગ્રામીણ સંસ્કૃતિનું આબેહૂબ જડતર કરી ભાતિગળ ભરત ગૂંથણના ચાકડા, તોરણ, ટોડલિયા અને છત્રી, શણગારેલ તાંબા પીતળની હેલ, ખાટલી, ઘંટુલો વગેરે સુશોભન મતદારોની આગતા-સ્વાગત માટે કરવામાં આવ્યું છે તો તેમને મતદાન મથકમાં આવકારવા માટે લાલ ઝાઝમ પણ પાથરવામાં આવી છે. ગામડું હોય અને વિસામો ન હોય એવું કેમ બને તો આ મતદાન મથકે ગ્રામીણ સંસ્કૃતિ અનુસાર વિસામો પણ બનાવવામાં આવ્યો છે.

જબલપુર ગામનાં નાગરિક ભુધરભાઈ જણાવે છે કેગામના મતદારો મતદાન કરવા આવે તો તેમને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉનાળાની ગરમીને ધ્યાને લેતા છાયડો અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાજ શણગાર પણ ખૂબ સારું એવું કરવામાં આવ્યું છે . કોઈની તબિયત બગડે તો આરોગ્યની ટીમ પણ હાજર રાખવામાં આવી છે.

ગામના અન્ય નાગરિક અર્જુનભાઈ કગથરા જણાવે છે કે, મતદાન મથક ઉપર ગામડાના ભાતીગળ લગ્ન જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ગામના મતદારોને આકર્ષવા માટે આ સુશોભન કરવામાં આવ્યું છે અને ગામ લોકો હોશે હોશે મતદાન કરવા આવી રહ્યા છે. વધુમાં તેમણે ગ્રામજનોને અવશ્ય મતદાન કરવા પણ જણાવ્યું હતું

ચૂંટણી તંત્ર દ્વારા આ ઉભા કરેલા સવિશેષ મતદાન મથકથી જબલપુરના મતદારો સાથે મોરબી જિલ્લાના નાગરિકો પ્રભાવિત બની રહ્યા છે, તો સમગ્ર ગુજરાત પણ આ મતદાન મથકની નોંધ લઇ રહ્યું છે.