ડો. પ્રવીણ બરાસરા, તેમના દાદીમા અને પિતાએ મતદાન કર્યું; દીકરીએ પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કર્યો
ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ ત્યારે મોરબીમાં લોકસભાની ચૂંટણી અન્વયે ખરેખર ઉત્સવ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો હોશે હોશે મતદાન કરી લોકશાહીમાં પોતાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે ત્યારે મોરબીમાં આવેલી શાંતિ ક્લિનિકના ડોક્ટર પ્રવીણ બરાસરાના પરિવારમાં એક સાથે ચાર પેઢી એ મતદાન કરી લોકશાહીમાં પોતાની ફરજ અદા કરી છે.
બરાસરા પરિવારના મોભી એવા ૯૨ વર્ષના શાંતાબેન બરાસારાએ ચૂંટણી તંત્ર દ્વારા ઘરેથી મતદાન કરવાની સુવિધા અંતર્ગત બેલેટ પેપરથી ઘરેથી મતદાન કર્યું હતું. જ્યારે માવજીભાઈ બરાસરા, તેમના પુત્ર પ્રવીણ બરાસરા તેમજ પૌત્રી કુંજન બરાસરાએ આજે પોતાનો કિંમતી મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
કુંજને પહેલી વાર મતદાન કરી રોમાંચ અનુભવતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ લોકશાહીની ફરજ છે પરંતુ પહેલીવાર મતદાન કરવું એ ખરેખર એક લ્હાવો છે. હું ખૂબ ખુશ છું કારણ કે, આપણી પસંદગીની સરકાર રચવામાં હું પણ હવે સહભાગી બની શકું છું. એક એક મત કિંમતી છે જેથી દરેક નાગરિકે પોતાના મતનો અચૂક અને યોગ્ય રીતે ઉપયોગ કરવો જ જોઈએ. આપણે મતદાતા છીએ આ લોકશાહીના નિર્માતા છીએ જેથી લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજી જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અચૂક મતદાન કરવું જોઈએ.
આ બરસરા પરિવાર જેવા મોરબીના અનેક પરિવારો રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપી મતદાન કરી રહ્યા છે તેમજ અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.