મતદાન મથક પર ઉભય કરાયેલી વ્યવસ્થાઓ નિહાળી મતદારો પ્રભાવિત થયા
લોકસભાની ચૂંટણી અન્વયે આજ વહેલી સવારથી મોરબી જિલ્લામાં મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અન્વયે જિલ્લામાં વિવિધ સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં ઉભા કરાયેલા ૨૧ સખી સંચાલિત મતદાન મથકોમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં કન્યા છાત્રાલય કેમ્પસમાં ૭ સખી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સખી સંચાલિત મતદાન મથક અન્વયે આ મતદાન મથકો ઉપર સવિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
આ બાબતે સખી મતદાન મથકના નોડલ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે જણાવ્યું હતું કે, આજે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકો માંથી ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં કન્યા છાત્રાલય ખાતે ૭ સખી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ, હોમગાર્ડ તેમજ આરોગ્ય સ્ટાફ સહિત તમામ મહિલા સ્ટાફ જ કાર્યરત કરવામાં આવ્યો છે.
મહિલા મતદાન મથક પર મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને મહિલા સ્ટાફ દ્વારા આ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવી રહ્યું છે.