દીકરાએ ભલે મને તરછોડી પણ જીવીશ ત્યાં સુધી મારા અંતઃકરણમાંથી દીકરાનું ભલું થાજો એવો સુર જ નીકળશે
યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી
મોરબી : જગતની એક એવી અદાલત છે. જ્યાં માણસના તમામ ગુન્હાઓ માફ થઈ જાય છે. આ અદાલત એટલે વાત્સલ્ય મૂર્તિ માં નું હ્ર્દય. આજે મધર્સ ડે નિમિતે મોરબીના વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓએ પોતાના કળયુગી શ્રવણ સામે રોષને બદલે તેમના દિલમાં હમેશા સંતાનોનું હિત જ હૈયે વસેલું હોય એવી હ્ર્દયદ્રાવક લાગણી વ્યક્ત કરી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી ત્યારે વૃદ્ધ માતાઓએ તેમને તરછોડી દેનાર પુત્ર પ્રત્યે ફટકારને બદલે હરહમેંશ માતાઓનું હ્ર્દય સંતાનોનું ભલું જ ઇચ્છતું હોવાનું જણાવતા યંગ ઇન્ડિયા ગ્રુપને આ માતાઓ પ્રત્યે આદરની લાગણી ઉપજી હતી.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોની પ્રણાલિકા મુજબ દરેક પ્રસંગની જેમ આજે મધર્સ ડેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓ સાથે મધર્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ મેમ્બરો સાડી સહિતનો સેટ અને અન્ય મહિલાઓ માટેની અગત્યની ચીજવસ્તુઓ લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા ત્યારે વૃદ્ધ માતાઓ ભાવુક બની ગઈ હતી. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, આ વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી સહિતની કીટ આપી ત્યારે આ માતાઓની આંખમાં અમારા પ્રત્યે પુત્ર પ્રેમ દેખાયો હતો. એમની આખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. હકીકતે માતાઓ હમેશા પુત્રનું ખરાબ ક્યારેય ઇચ્છતી નથી. એક માતા સાથે વાર્તાલાપમાં એમણે જણાવ્યું હતું કે, દીકરાએ ભલે મને તરછોડી પણ મારા મન અને હ્ર્દયમાં એના પ્રત્યે જરાય વેરભાવ, દ્વેષ કે ધૃણા નથી. બલ્કે હું જીવીશ ત્યાં સુધી મારું મન અને હ્ર્દય અંતઃકરણથી એનું ભલું જ ઇચ્છતું રહેશે. માતાના આ શબ્દો સાંભળીનું હું પણ ઘડીભર દંગ રહી ગયો. આથી દરેક દીકરા વહુઓને મારી અરજ છે કે માવતરને હાનિ પહોંચડવાથી ક્યારેય સુખી નહિ થવાય.