મોરબી જિલ્લાના ખેડુતોને કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નો અનુરોધ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીનો અવકાશ ન રહે.

રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

આમ, બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.