મોરબી ઘટક-૧ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

મોરબી આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા માહિતગાર થાય તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું તમામ આંગણવાડી કેન્દ્રોમાં આયોજન કરવાના ભાગરૂપે મોરબી-૧ ઘટકના બગથળા સેજાના બગથળા-૨ કેન્દ્ર પર સંયુક્ત રીતે ૪ આંગણવાડી કેન્દ્ર ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪ આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને આંમત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.ડી.એસ. ઘટકમાંથી મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર તેમજ પી.એસ.ઇ. મયુરીબેન વડગામા અને બગથળા ૧,૨,૩,૪ આંગણવાડી કેન્દ્રના કાર્યકર-તેડાગર બહેનો દ્વારા છાપ કામ, ચીટકકામ,  જેવી પ્રવૃતિ બાળકો અને વાલીઓ દ્વારા સંયુક્ત રીતે કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નકલંક ધામના દામજીભાઇ ભગત, બગથળા સરપંચ પરેશભાઇ આંબલીયા, રમેશભાઇ, રતીભાઇ, નીતિનભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.