મોરબી નિ:સહાય વૃદ્ધાની મદદે આવી એલ્ડર હેલ્પલાઇનની ટીમ

વૃદ્ધાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરી પરિજનોના સંપર્ક કરી તેમની સાથે મેળાપ કરાવ્યો

એલ્ડર હેલ્પલાઈન ૧૪૫૬૭ મોરબી દ્વારા વાંકાનેરનાં ગ્રીન ચોકમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા નિ:સહાય વૃદ્ધાને મદદ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

        વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું જીવન જીવતા અમીનાબેન અલારખાભાઈ ફકીર (ઉ.વ. આશરે ૮૦) ગત શનિવારે રસ્તા પર પડી ગયા હતાં અને ધોમધખતા તાપમાં નિ:સહાય બની ગયા હતા. મોરબી એલ્ડર હેલ્પલાઇનના રાજદીપભાઈ પરમારને આ બાબની જાણ થતાં તેઓ એલ્ડરલાઈનના સિનિયર અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સામાજીક કાર્યકર સતિષભાઈ તલસાણીયા સાથે તરત જ ઘટના સ્થળે દોડી ગયા બાદ પીડિત વૃદ્ધાને ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અને સામાજીક કાર્યકર હસીનાબેન તથા શરીફાબેન શેખ સહિતનાઓ વૃદ્ધાના કુટુંબીજનોને શોધી, સંપર્ક કરી તાત્કાલિક વાંકાનેર બોલાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ રાંદેડા વિસ્તાર ખાતે રહેતા પીડિતા વૃદ્ધાના એકનાએક પુત્ર બાબુભાઇ અને તેમના કુટુંબીજનો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવીને અમીનાબેનને પોતાની સાથે લઈ જવા અને સારસંભાળ રાખવાની લેખિત ખાત્રી  આપતા અમીનાબેનને તેના પુત્રને સોંપવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, પીડિત વૃદ્ધા છેલ્લા ઘણા મહિનાઓથી અને હાલ ધોમધખતા તડકામાં ખુલ્લા  દયનિય હાલતમાં રહેતા હતા અને પરિવારજનો સાથે રહેવા પણ રાજી નહોતા પરંતુ.

માં તે માં બીજા વગડા ના વા  સૂત્રને સાર્થક કરી મોરબી એલ્ડર હેલ્પલાઇન ટીમનાં ઉત્તમ પ્રયાસ થી વૃદ્ધાને પરિવારનો આશરો મળી શક્યો છે.