નિયમ વિરુદ્ધ થતા બાંધકામોને લોન ન આપવા બેન્કોને જિલ્લા વિકાસ અધિકારીની તાકીદ
(નિલેશ પટેલ દ્વારા ) ભૂકંપ ઝોન ચારમાં આવેલ મોરબી શહેર અને આસપાસના ગામડાઓમાં જે રીતે હાઈરાઇઝ બિલ્ડીંગો રૂપે ક્રોન્કીટના જંગલો ખડકાઈ રહ્યા છે તે અટકાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે નિયમો વિરુદ્ધ નિયમો વિરુદ્ધના બાંધકામોને લોન ન આપવી મતલબનો પત્ર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેન્કોને લખવામાં આવ્યો છે ખોટું અટકાવવાના આ પગલા સાથે જ જેને મોરબીવાસીઓના હિત સાથે કંઈ લેવાદેવા જ નથી તેવા એકાદ-બે નેતાઓ આ પત્ર રદ કરવવા સક્રિય પણ થઈ ગયા છે
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ .પ્રજાપતિ દ્વારા બેન્કોને એક એક પત્ર લખવામાં આવ્યો છે જે મુજબ મોરબી નજીકની ગ્રામ પંચાયતો દ્વારા હાઇરાઇઝ બિલ્ડીંગોની મંજૂરી આપવામાં આવતી હોય છે તેમાં જે મંજૂરી ગુજરાત પંચાયત અધિનિયમની વિરુદ્ધ આપવામાં આવી હોય તેવા તમામ કિસ્સાઓમાં લોન મંજૂર કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે અને બસ જે રીતે મવડા નાબૂદ કરવા માટે નેતાઓ સક્રિય થયા હતા તેમ આ આદેશ રદ કરાવવા એક બે મોટા ગજાનાં નેતાઓ મેદાનમાં આવી ગયા છે અને જિલ્લા વિકાસ અધિકારીને આ પત્ર રદ કરવા દબાણ કરી રહ્યા છે
મોરબી શહેરની આસપાસની ગ્રામ પંચાયતોની હદમાં સેંકડો હાઇરાઇઝ બિલ્ડીંગો બની ચૂકી છે ભૂકંપ ઝોન ચાર માં હોવા છતાં બાંધકામના નિયમોની એસી તેસી કરીને રાજકીય મળતીયાઓ દ્વારા બિલ્ડરો સાથે ભાગીદારી કરીને ગગન ચુંબી ઇમારતો ઊભી કરી દેવાઈ છે નહીં પૂરી પાર્કિંગની વ્યવસ્થા કે નહીં પાણીની પૂરી સુવિધા આડેધડ ખડકી દેવાયેલા કોન્ક્રીટના આ જંગલો આવનાર સમયમાં ત્યાં રહેતા નાગરિકો માટે સામાજિક સમસ્યાઓ તો વધારવાના જ છે પરંતુ જે રીતે નિયમોના ઉલાળીયા કરીને ફ્લેટો બનાવીને વેચી નાખવામાં આવ્યા છે જેમાં ભૂકંપ જેવી મોટી કુદરતી આફત દરમિયાન મોટી જાન માલની ખુવારીનો ડર સતત વધી રહ્યો છે તેવામાં વર્ષો પછી કોઈ અધિકારી દ્વારા મોરબી વાસીઓના હિત માટે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય રદ થાય તેના માટે જેમ મવડા મોકૂફ કરાવવામાં રાજકીય આગેવાનો એ ભાગ ભજવ્યો હતો તેમ આ નિર્ણય રદ કરાવવા અધિકારી ઉપર દબાણ ઉપર કરવામાં આવી રહ્યું છે
મોરબી આસપાસની ગ્રામ પંચાયતોની હદમાં બનતા બિલ્ડીંગોમાં મોરબી વાસીઓ શહેરમાં રહેવાની લાલચે કે સંતાનોના લગ્નની લાલચે ફ્લેટ લેતા હોય છે તેથી ફ્લેટ લેતા પહેલા ફ્લેટ સાથે જોડાયેલી અધિકૃતતા, સુવિધા અને આવનારા સમયની સંભાવનાઓ અંગે વિચાર્યો વિના ફ્લેટ લઈ લેતા હોય છે અને તેથી જ આજે રવાપર જેવા ગામોમાં પાર્કિંગ , પાણી સહિતના પ્રશ્ને કાયમ પડોશીઓમાં નાની મોટી માથાકૂટ થઈ રહી છે મોટા ભૂકંપની સ્થિતિમાં ત્યાં રહેતા પરિવારના જીવ ઉપર જોખમ આવશે એટલું પણ કોઈ વિચારી નથી રહ્યું અને તેના જ લીધે માત્ર પૈસા માટે કામ કરતા કેટલાક બિલ્ડરો અને કેટલાક નેતાઓના મળતીયાઓનો ધંધો કાયમ ફુલ્યો ફાલ્યો છે તે કડવી વાસ્તવિકતા છે
હવે જ્યારે ટૂંક સમયમાં મોરબીમાં કોર્પોરેશન બનવાનું છે ત્યારે આવી ગ્રામ પંચાયતો જે આવનારા સમયમાં કોર્પોરેશનનો હિસ્સો બનવાની છે ત્યાં હજી પણ કોર્પોરેશન પહેલા ખાડાઓ ખોદીને ફટાફટ હાઇરાઈઝ બનાવી દેવા હોડ લાગી છે ત્યારે આવા બાંધકામો અટકે અને હવે કોર્પોરેશન આવા બાદ જ નવા બાંધકામ થાય તે સમગ્ર મોરબીના હિતમાં છે પરંતુ કહી શકાય કે આટલા વર્ષોમાં જે રીતે મોરબીમાં નિયમો મુજબ કંઈ ચાલ્યું જ નથી ને નિયમોમાં આવવું ઘણાને પચતું નથી જે રીતે મવડા મોરબીના હિતમાં હતું. પરંતુ બીજાને હાથા બનાવીને કેટલાક રાજકીય આગેવાનો અને બિલ્ડરોએ મવડા મોફુક કરાવ્યું હતું તે રીતે જિલ્લા વિકાસ અધિકારીના આ નાનકડા પણ ખૂબ સારા નિર્ણયને રદ કરાવવા મોરબીના હિતશત્રુ કહી શકાય તેવા એક બે નેતા ખુલીને મેદાનમાં આવી ગયા છે
જો મોરબીની નેતાગીરી એ મોરબી નું હિત વિચાર્યું હોય તો આજે મોરબી સ્વર્ગ સમાન બની ગયું હોત પરંતુ અહીં તો નેતાઓના પોતાના સ્વાર્થ જ કાયમ નિયમો ઉપર હાવી રહ્યા છે ત્યારે કંઈક સારું કરવા માગતા અધિકારીનું મોરલ તોડવા મથતા આવા નેતાઓને જનતા પણ સારી રીતે ઓળખી લે તે જરૂરી છે.
મોરબીની જનતા એ પણ એટલું વિચારવું જોઈએ કે ટૂંકા ગાળાના સ્વાર્થ પાછળ લાંબા ગાળાનું મોટું નુકસાન ન થાય ત્યારે મોરબીના સ્વાર્થી નેતા અને તેમના મળતીયા ફરી સફર ન થાય તે જોવાની પહેલી જવાબદારી જનતાની પોતાની જ છે