જિલ્લામાં વિવિધ એકમોમાં નિતી નિયમોની અમલવારી માટે કરવામાં આવેલી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી, મોરબી જિલ્લામાં ફાયર સેફટી સહિતના નિયમોની અમલવારી પ્રજાને મુશ્કેલી ન પડે તે રીતે કરવા કલેક્ટર કે.બી. ઝવેરીની સુચના
મોરબી જિલ્લામાં ગેમઝોન, રેસીડેન્સિયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ, કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ્સ વગેરેમાં ફાયર સેફટી, બી.યુ. પરવાનગી તેમજ એન.ઓ.સી. સહિતના નિયમોની અમલવારી અંગે મોરબી જિલ્લામાં થયેલી કામગીરી બાબતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં એન.ઓ.સી. અને ફાયર સેફટી સહિતના નિયમોની અમલવારી અંગેની કામગીરી પ્રજાને મુશ્કેલી ન પડે તેવી રીતે કરવામાં આવી રહી છે. જે એકમોમાં નોટિસ આપ્યા બાદ નિયમો અનુસાર જરૂરી પૂર્તતા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે જણાવ્યું હતું. જે એકમોમાં નોટિસને ધ્યાનમાં લેવામાં આવી ન હોય ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરી કાયદાની યોગ્ય અમલવારી કરાવવામાં આવે તે માટે પણ તેમણે સૂચના આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વહિવટી તંત્ર પ્રજાનું હિત પ્રથમ છે જેથી સીલ કરવામાં આવેલા કે બંધ કરાયેલા એકમો જો નીતિ નિયમો અનુસારની જરૂરી પૂર્તતા કરે તેવા એકમોમાં સીલ ખોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ ગેરકાયદેસર રેસીડેન્સીયલ બિલ્ડીંગ બાબતે સજાગ રહેવું પડશે. નવા બની રહેલા એકમોમાં જે એકમોમાં યોગ્ય પ્લાનની અમલવારી થઈ હોય અને ઓથોરિટીની નિમણૂંક હોય તેમને જ બાંધકામ માટેની પરવાનગી આપવા સૂચના આપી હતી અને નીતિ નિયમોની અમલવારી ન થઈ હોય તેવા સ્ટ્રક્ચર્સને પાણી, ગટર તેમજ વિજળી વગેરે કનેક્શન ન આપવા જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જે એકમો અથવા ઔદ્યોગિક વસાહતોમાં એકથી વધુ વખત આગના બનાવો બનેલા હોય તેવી ઘટનાઓની નોંધ લઇ કયા કારણોસર આગ લાગે છે તેનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય નોમ્સ ન ધરાવતા એકમોમાં નોટિસ આપ્યા બાદ હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં પણ ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. જિલ્લામાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં નીતિનિયમો વિરુદ્ધ નવા બહુમાળી બાંધકામ ન બને તે માટે યોગ્ય કાયદાની અમલવારી કરાવવી અત્યંત આવશ્યક છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) અને માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ), પી.જી.વી.સી.એલ., ફાયર વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.