મોરબીના લાલપર ગામ પાસે આવેલ પવનસુત પ્લાઝામાં ઓફિસ ધરાવતા વેપારી સાથે વિશ્વાસઘાત કરી, ગોલ્ડ લોન મેળવવા માટે આપેલું આશરે સાડા છ તોલા સોનું બારોબાર વેચી મારવાની ઘટના સામે આવી છે.

લક્ષ્મીનગરના રહેવાસી કેતનભાઈ વાઘેલાને પૈસાની જરૂર હોય પરંતુ તેમના નામ પર ગોલ્ડ લોન ન લઇ શકવાના કારણે તેમણે પોતાની ઓફિસમાં કામ કરતા કીર્તિકુમાર કનુભાઈ વરાણીયા પર વિશ્વાસ મૂકી મંગળસૂત્ર, ચેન અને હાર બુટી, વીંટી, કાનની સેર સહિત કુલ ૬૧.૫૭ ગ્રામ સોનું (કિંમત આશરે રૂ. ૭,૫૦,૦૦૦) ગોલ્ડ લોન લેવા માટે આપ્યું હતું. બાદમાં જ્યારે ફરિયાદીએ પોતાના દાગીના પરત માંગ્યા, ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી કીર્તિકુમાર અને તેની સાથે મળેલા પ્રમીલકુમાર ચતુર્વેદીએ આ દાગીના છોડાવી લઈ માલિકની જાણ બહાર બારોબાર વેચી દીધા હતા. આ રીતે બંને શખ્સોએ એકબીજાની મદદગારી કરી ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






