મોરબી : નવ વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું ૧૮૧ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક થર્ડ પાર્ટી દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા પોતાના નાના પુત્ર સાથે રાત્રિના સમયે આમતેમ ફરતી જોવા મળે છે અને તેમને મદદની જરૂરિયાત છે. માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન તથા પાયલોટ જીડ વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા  સૌપ્રથમ થર્ડ પાર્ટીનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવેલ કે રાત્રિનો સમય હોય અને આ મહિલા ઘણા સમયથી પોતાના દીકરા સાથે આસપાસ આમતેમ આંટા મારતા હોય. જેથી મહિલાની મદદ માટે 181 અભયમ ટીમને જાણ કરવામાં આવી હતી

ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સુરક્ષિત જગ્યાએ બેસાડવામાં આવેલ અને તેમની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી તેઓ ક્યાંનાં છે, ક્યાંથી આવ્યા છે તથા તેમના રહેઠાણ અંગેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવેલ. ઘણા પ્રયત્નો બાદ મહિલાના પતિનો સંપર્ક થતા  ફોન દ્વારા મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવેલ કે તેઓ ભાવનગરના રહેવાસી છે અને તેમના પત્ની કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હતા. મહિલાનો ફોન પણ બંધ આવતો હોવાથી પરિવારજનો ચિંતિત હતા. વધુમાં તેમના પતિએ જણાવેલ કે તેમના પત્ની માનસિક રીતે અસ્વસ્થ હોય અને તેમની દવા પણ ચાલુ છે. ઘણા સમયથી તેમની તબિયત સારી હતી. મહિલાને નવ વર્ષનો એક પુત્ર છે, જે બોલી શકતો નથી અને મહિલાએ પુત્રને પણ પોતાની સાથે લઈ લીધેલ હતો.

181 અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા મહિલાની માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની યોગ્ય સારવાર ચાલુ રાખવા, સમયસર દવા આપવા અને તેમની ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવેલ. દરમિયાન મહિલાના પતિએ જણાવેલ કે તેમના નજીકના સગાં-સંબંધીઓ ઘટના સ્થળની નજીક રહેતા હોય, જેથી તેઓ મહિલાને લેવા માટે આવી રહ્યા છે. ત્યારબાદ મહિલાના સગાં-સંબંધીઓ ઘટના સ્થળે આવી પહોંચતા 181 અભયમ ટીમ દ્વારા મહિલાને તેમના નવ વર્ષના પુત્ર સાથે સહી સલામત સોપવામાં આવ્યા હતા


Leave a Comment