યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા લોકોમાં રાષ્ટ્ભક્તિની ચેતના જગાવવા થકી શહીદ દિનની ઉજવણીનું આયોજન, શહીદ ભગતસિંહે જેલવાસ દરમિયાન 116 દિવસની ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનો કાલે ઉપવાસ કરીને તેમને કોટી કોટી વંદન કરશે
મોરબી : 23 માર્ચ 1931ના દિવસે ભારતમાતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ હસતામુખે ફાંસીના માંચડે લટકીને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી જ આ દિવસને સમગ્ર દેશ શહીદ દિવસ તરીકે ઉજવીને આ શહીદોને ભારે હૈયે શ્રધાંજલિ અર્પણ કરે છે. ત્યારે શરૂઆતથી શહીદ ભગતસિંહના રાષ્ટ્પ્રેમના વિચારોથી રંગાયેલા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોમર્સ કોલેજની સાથે આવતીકાલે શહીદ દિવસની લોકોમાં ખરા અર્થમાં રાષ્ટ્પ્રેમ જાગે તે રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા કાલે બુધવારે શહીદ ભગતસિંહને વીરાજંલી આપવા કાલે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવશે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલ તા.23 માર્ચ શહીદ દિવસની લોકોમાં દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના જાગે અને લોકો દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોની વીરતાને ખરા અર્થમાં નમન કરે તે રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા કાલે બુધવારે શહીદ ભગતસિંહને વીરાજંલી આપવા કાલે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવશે. કાલે બુધવારે સવારે 10 વાગ્યે મોરબીના સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી આ લાંબી તિરંગા યાત્રા યોજાશે અને આ તિરંગા યાત્રા ગાંધીચોક ખાતે આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચીને ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરીને ભાવવંદના કરાશે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે, ” હમ ભી ખડે થે, તકીદર કે દરવાજે પર, લોગ દૌલત પર ગિરે પર હમને વતન માંગ લિયા” આવી પ્રબળ દેશભક્તિ ધરાવતા શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા અને ખાસ કરીને આપણા દરેક ભારતીયમાં આદર્શ ભારતીય નાગરિકની ભાવના વધુ પ્રબળ થાય અને દેશની આન, બાન અને શાન સમાં તિરંગાને શાનથી લહેરાતો જોઈને દેશ માટે ત્યાગ અને બલિદાનની ભાવના જાગૃત થાય તે માટે આ અમારો એક નાનકડો પ્રયાસ છે. શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલવાસ દરમિયાન અંગ્રેજોની જોહુકમી સામે આવાજ ઉઠાવવા 116 દિવસની ભૂખ હડતાલ કરી હતી. આથી કાલે શહીદ દિવસે મોરબીના 116 યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરશે. તેથી આ કાર્યક્રમમાં દરેક મોરબીવાસીઓને હાજર રહેવાની અપીલ કરું છું.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)