બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અંગે તાલીમ યોજાશે

તાલીમનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર  ૩૧ મે ૨૦૨૩ સુધી અરજી કરી શકાશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા મહિલા સશક્તિકરણ, કુપોષણ નિવારણ અને મૂલ્યવર્ધન માટે મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અમલી બનાવાઇ છે. જેનો લાભ રેશનકાર્ડ દીઠ એક મહિલાને મળવાપાત્ર છે. તાલીમાર્થી મહિલાની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. તાલીમમાં  ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનો માટે બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે.

આ તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીની ૮૦ ટકા હાજરી હોય તો એક દિવસના રૂ. ૨૫૦ લેખે તાલીમાર્થી બહેનોને સ્ટાઇપેન્ડ તરીકે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા. ૩૧-૦૫-૨૦૨૩ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ સહીત નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.