હળવદ : શાળા નંબર-4 ખાતે ડીઝીટલ એપ્લિકેશનની મદદ થી બાલ સંસદની ચૂંટણી યોજાઈ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ-શ્રી પે સેન્ટર શાળા નંબર-4 હળવદ ખાતે બાળ સંસદ 2023/24 માટે શાળાના મુખ્ય ત્રણ હોદાઓ માટે લોકશાહી ઢબે જ્ઞાતિ,જાતિ,ધર્મ,ભાષા,બોલી,રંગરૂપ,ઉંચ,નીચ,ગરીબ,ધનિકના રાગદ્વેષ વગર લોકશાહી ઢબે શાળામાં ચૂંટણીનું આયોજન થયું હતું.જેમાં ધોરણ 6 થી 8 ના કુલ 500 હાજર વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું.

મતદાન માટે શાળામાં કુલ બે બુથ બનાવવામાં આવ્યા હતા.આ ચૂંટણી ડીઝીટલ વોટીંગ મશીન એપ્લિકેશનની મદદ કરવામાં આવી હતી જેવી રીતે ભારત સરકારજે ચૂંટણીમાં EVM મશીનની મદદથી એક BU અને એક CU ની મશીન વડે ચૂંટણી કરાવે છે એવી રીતે જ એક મોબાઈલને BU અને એક ટેબ્લેટને CU બનાવીને બાળકોને સાચી ચૂંટણીનો અનુભવ કરાવ્યો હતો. આ ચૂંટણીની અંદર કુલ 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં કુલ ત્રણ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા.

ચૂંટણીના અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ 154 મત મેળવનાર પટેલ મીત વિનોદભાઈને શાળા પ્રમુખ જ્યારે 53 મત મેળવી બીજા નંબરે વિજેતા થનાર કુરિયા માહી પંકજભાઈ શાળાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા જ્યારે 46 મત મેળવી તૃતીય સ્થાન ઉપર વિજેતા થનાર લખતરિયા વૈભવી શૈલેષભાઈને શાળાના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા.

આમ બાળકોને દેશમાં થતી વિવિધ ચુંટણીઓ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,નગરપાલિકા,ધારાસભા તથા લોકસભાની સમજ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય એટલા માટે શાળામાં બાળ સંસદનું સુંદર આયોજન ડિજિટલ એપ્લિકેશન ટેકનોલોજીની મદદથી કરવામાં આવ્યું હતું.વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.