હળવદ : રાણેકપર ગામના ઉપસરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ હોદ્દા પરથી મોકુફ કરાયા

દારૂનું વેચાણ કરીને જાહેર સેવકને  છાજે તેવું કૃત્ય કરેલું હોવાથી તેમને મોરબી ડી.ડી.ઓ. ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી મોકુફ કરાયા

વિશાલ જયસ્વાલ હળવદ : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાએ જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કર્યું હોવાથી તેમને મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી મોફૂક રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકા વિકાસ અધિકારીએ કરેલ અહેવાલ અન્વયે તેઓને મળેલ  રાણેકપરનાં ગ્રામજનોની રજૂઆત મુજબ હળવદ તાલુકાની રાણેકપર ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા રાણેકપર ગામની સીમમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતા હતા. તેમની સામે થયેલ એફ.આઈ.આર.ની ખરાઈ કરતા તેમની સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ફોજદારી કાર્યવાહી માંડીને ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત ઉપસરપંચને હોદ્દા પરથી મોકુફ કરવા અંગે કાર્યવાહી કરવા હળવદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી.

        જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ હોય તેમજ ઉપસરપંચનાં હોદ્દા દરમિયાન તેમની સામે ગુનો નોંધાય એ તેમનું નૈતિક અધ:પતન ગણવાને પુરતું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે ઉપસરપંચ સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા-વિચારણા કરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS) દ્વારા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતની મુદ્દત પૂરી થતા સુધી અથવા તેઓ સામેના આ કામે દાખલ થયેલ પ્રોહીબીશન એક્ટ મુજબના કેસમાં તેઓ દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી તે બંને માંથી જે વહેલું  હોય તેટલા સમય માટે ગ્રામ પંચાયત-રાણેકપરનાં ઉપસરપંચનાં હોદ્દા પરથી મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.