મોરબી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી પોતાના વિકાસ વિઝન “કોંગ્રેસનું કમિટમેન્ટ” જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ, તાજેતરમાં અવસાન પામેલા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્વ. કિશોરભાઈ ચીખલિયાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ભાવુક થઈને જણાવ્યું કે, આવનારી ચૂંટણીમાં દરેક કાર્યકર “હું છું કિશોર ચીખલિયા” બનીને મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસના ઉમેદવારો હવે કોઈપણ પ્રકારના ઢોલ-નગારા કે ભવ્ય પ્રદર્શન વિના સાદાઈથી નામાંકન કરશે. શહેરના વિકાસ માટે રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણથી લઈને ડિજિટલ સુવિધાઓ સુધીના અનેક મુદ્દાઓને આવરી લેતું વિઝન પણ રજૂ કરવામાં આવ્યું છે.

મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને “કોંગ્રેસનું કમિટમેન્ટ” નામે વિકાસ વિઝન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મૂળભૂત પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવવા માર્ગો પહોળા કરવા, ઓવરબ્રિજ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા તેમજ આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવવાના સંકલ્પ વ્યક્ત કર્યા છે. પીવાના પાણી અને ગટર વ્યવસ્થામાં સુધારા માટે નવી પાઇપલાઇન, બંધ ફિલ્ટર પ્લાન્ટનું નવીનીકરણ અને ટાઈમટેબલ આધારિત પાણી વિતરણની યોજના રજૂ કરવામાં આવી છે. ચોમાસામાં પાણી ભરાવ અટકાવવા સ્ટોર્મ વોટર લાઈન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા “વિકલી મહિલા બજાર”, ફ્રી ટ્રેનિંગ અને ‘પિંક ટોઇલેટ’ જેવી સુવિધાઓ સાથે “સેફ સિટી” પ્રોજેક્ટ અમલમાં મુકવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લિનિક, સ્માર્ટ સ્કૂલ અને ફ્રી મેડિકલ કેમ્પ જેવી સુવિધાઓ આપવાનો સંકલ્પ લેવાયો છે. સ્વચ્છતા અને પર્યાવરણ માટે “ઝીરો વેસ્ટ સિટી”, મચ્છુ નદીનું શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ વિકાસ જેવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે, 100% LED લાઈટ, AC સિટી બસ, હાઇ-ટેક લાઈબ્રેરી, રમતગમતના ગ્રાઉન્ડ અને ડિજિટલ સેવાઓ જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સ્વ. કિશોરભાઈ ચીખલિયાને શ્રદ્ધાંજલિ રૂપે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં સાદાઈ અપનાવવાનો નિર્ણય લીધો છે, જે રાજકીય ક્ષેત્રમાં એક અનોખું પગલું માનવામાં આવી રહ્યું છે.





