ખેતીની જમીન પર ‘ભૂમાફિયા’ની તરાપ: મોરબીના કોયલી ગામમાં માટી ચોરીનો મોટો આક્ષેપ

મોરબી તાલુકાના કોયલી ગામમાં ખેતીની જમીનને નુકસાન પહોંચાડી, આશરે ૮૦ થી ૧૦૦ ટ્રેક્ટર જેટલી ફળદ્રુપ માટીની ચોરી કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખેડૂત દ્વારા આ મામલે પોલીસ, ભૂસ્તરશાસ્ત્રી અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કાનાભાઈ દેવાભાઈ ડાંગરે આરોપી રમેશભાઈ શામજીભાઈ વિરસોડીયા, ભરતભાઈ શામજીભાઈ વિરસોડીયા, જેસીબી તથા ટ્રેક્ટરોના માલિકો અને ચાલક વિરુદ્ધ નોંધાયેલ ફરીયાદ મુજબ
કાનાભાઈની માલિકીની સર્વે નં. ૧૨૯ પૈકી (૧,૨) આવેલી જમીનમાં તારીખ ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ અજાણ્યા સમયે જેસીબી અને ટ્રેક્ટરો વડે મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થળ પર પહોંચતા તેઓએ જોયું કે જમીનમાં ઊંડા ખાડા પડી ગયા છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાજુની જમીન ધરાવતા રમેશભાઈ અને ભરતભાઈ વિરસોડીયાએ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આશરે ૮૦થી ૧૦૦ ટ્રેક્ટર જેટલી ફળદ્રુપ માટી ખોદી પોતાની જમીનમાં નાખી દીધી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવને કારણે માત્ર જમીનનું ભૌતિક સ્વરૂપ જ બગડ્યું નથી પરંતુ તેની ઉત્પાદન ક્ષમતા પર પણ ગંભીર અસર પડી છે. ખેડૂતે આ કૃત્યને ચોરી, ગુનાહિત અપ્રવેશ અને નુકસાન તરીકે ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ ઉપરાંત, મામલો ખાણ-ખનિજ વિભાગ સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે માટી જે ગૌણ ખનિજ તરીકે ગણાય છે, તેનું ખોદકામ કરવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી તેમજ રોયલ્ટી પણ ભરવામાં આવી નથી, જે સ્પષ્ટપણે ગેરકાયદેસર ખનન છે. ખેડૂતે જિલ્લા કલેક્ટર અને લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ પણ અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ સમગ્ર ઘટના જમીન પચાવી પાડવાના પ્રયાસનો ભાગ હોઈ શકે છે. હાલ આ મામલે પોલીસ, ખાણ-ખનિજ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવા ફરિયાદી દ્વારા માંગ કરવામાં આવી છે.


Leave a Comment