રૂમ નં. 20માં ડોક્ટર ગેરહાજર હોવાનો આક્ષેપ, દવાબારી અને PM-JAY કાઉન્ટર પણ બંધ મળતાં દર્દીઓ પરેશાન
મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી હોવાનું દર્દીઓ અને તેમના સગાઓએ આક્ષેપ કર્યો છે. અનેક વખત રજૂઆતો છતાં હોસ્પિટલ તંત્રમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જેના કારણે દર્દીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આજે તા. 19/05/2026, મંગળવારે હોસ્પિટલના રૂમ નં. 20માં ડોક્ટર ફરજ પર હાજર ન હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું. દર્દીઓ અને તેમના સગાઓએ સ્ટાફને રજૂઆત કરતાં યોગ્ય જવાબ મળ્યો ન હોવાનું પણ જણાવ્યું છે.

વધુમાં રૂમ નં. 21માં આવેલી દવાબારી તેમજ PM-JAY કાર્ડ બનાવવાનું કાઉન્ટર પણ બંધ હાલતમાં મળ્યું હતું. આ પ્રકારની ગેરહાજરી વારંવાર જોવા મળતી હોવા છતાં હોસ્પિટલના આરએમઓ દ્વારા કોઈ અસરકારક સૂચના કે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ ઉઠ્યો છે.
દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઈ પૂછપરછ અથવા ભલામણ માટે આરએમઓનો સંપર્ક કરવામાં આવે ત્યારે સંતોષકારક જવાબ મળતો નથી અને દર્દીઓને એક વિભાગમાંથી બીજા વિભાગમાં ધકેલવામાં આવે છે, જેના કારણે કિંમતી સમય બગડે છે.
હાલમાં 42 ડિગ્રી જેટલા ઉકળતા તાપમાન વચ્ચે દર્દીઓ અને તેમના સગાઓને હોસ્પિટલમાં હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ રૂમ નં. 20ના ફરજ પરના ડોક્ટર, દવાબારી સ્ટાફ અને PM-JAY કાઉન્ટર સંચાલકો સામે કોઈ પગલાં લે છે કે નહીં.






