વાંકાનેર નેશનલ હાઇવે બન્યો અકસ્માત ઝોન છાશવારે જીવલેણ અકસ્માતમાં અનેક માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાય વાંકાનેર શહેરથી બાયપાસ રોડની તાતી જરૂરિયાત

વાંકાનેર : શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે જેમા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા એક વર્ષમાં જીવલેણ અકસ્માત સર્જાવાની ઘટનાઓ વધી રહી છે. દિવસે દિવસે વસતી વધારાની સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. ખાસ કરીને જીનપરા જકાતનાકે તેમજ નવાપરા પાસે રોડ ક્રોસ કરવાની જગ્યાએ રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જી અનેક નાના વાહન ચાલકોને ઈજાગ્રસ્ત કરે એ તેમજ અનેક લોકો મોતના મુખમાં ધકેલાય ચૂક્યા છે. બીજી મહત્વની બાબત એ છે કે રેલવે તંત્ર દ્વારા હાઈવે પર રેલ્વેના ગરનાળાની બંને બાજુ સેફ્ટી માટે ઊભા કર્યા છે જેમાં અનેક મોટા ટ્રકો વધુ પડતા ઊંચા લોડ ભરેલા ટ્રકો અટવાઈ જાય છે અને ઊંચાઈ પરનો માલ સામાન હાઈવે પર વેરણ છેરણ થાય છે ત્યારે પાછળ આવતા વાહનો માટે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે આ બધા જ અકસ્માતના નિવારણ માટે વાંકાનેર બાયપાસ રોડ અતિઆવશ્યક બની ગયો છે.

જીવલેણ અકસ્માત નિવારવા મોરબીથી વાંકાનેર બાયપાસ રસ્તાનું આયોજન કરવામાં આવે તે પ્રજાજનોના હિતમાં રહેશે. ગત રાત્રીના સમયે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબી તરફથી પૂરપાટ ઝડપે આવતી એક સ્વિફ્ટ કારના ચાલકે ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હજુ નવાપરા વણાંક પાસે એક મોટર સાયકલ સવારને હડફેટે લેવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ અકસ્માત સર્જાયો છે. જેમાં વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં બુરાક ડેરીની સામેની શેરી, સ્ટેશન રોડ પર રહેતા ફરિયાદી અમીતભાઇ પુનમભાઇ પરમાર (ઉ.વ. ૩૦) રાત્રીના તેમના મિત્ર અનીલ કાનજીભાઈ ભરવાડ (રહે. હસનપર) સાથે બાઇક પર ડબલ સવારીમાં ચંદ્રપુર ગામે ગોલા ખાવા માટે ગયા હોય, જ્યાંથી પરત ફરતી વેળાએ વાંકાનેર-મોરબી હાઇવે પર નવાપરા પાસેના રોડની કટ નજીક પહોંચતા મોરબી તરફથી પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર નંબર GJ 36 F 3838ના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીતભાઇ પરમાર અને તેમના મિત્ર અનીલ ભરવાડ બંને રસ્તા પર પટકાતાં શરીરે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ બનાવમાં ઇજાગ્રસ્ત ફરિયાદી અમીતભાઇ પરમારે વાંકાનેર સીટી પોલીસમાં સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આવી અવારનવાર બનતી જીવલેણ અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે મોટા વાહનોને શહેરમાં પસાર થવું પડે નહીં અને સીધા બાઉન્ડ્રી તરફ જઈ શકાય તેવી રીતે બાયપાસ રસ્તાનું આયોજન કરવું જોઈએ જેથી ભવિષ્યમાં બનનારી જીવલેણ અકસ્માત સર્જાવાની ઘટનાઓ થતી રોકી શકાય અને અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાશે.

 


Leave a Comment