“જ્ઞાનથી સમૃદ્ધ શિક્ષક જ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે છે.” નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે દ્વિ-દિવસીય ટીચર ટ્રેનિંગ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ જ્ઞાનનો લાભ મેળવ્યો હતો.
સેમિનારમાં જાણીતા વક્તા શૈલેષભાઈ સગપરિયા, ડૉ. પવન દ્વિવેદી, ધર્મેન્દ્રભાઈ કનાળા તથા ડૉ. ભદ્રાયુ વછરાજાની દ્વારા શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા આધુનિક શિક્ષણ પદ્ધતિઓ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો શિક્ષકો માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયા હતા. સેમિનાર દરમિયાન શિક્ષકોએ વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ વર્ગખંડ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી કૌશલ્યો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર સત્ર દરમિયાન શિક્ષકોમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ જોવા મળ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખપી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારે શિક્ષકોના વ્યાવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંતે તમામ વક્તાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સેમિનારમાંથી પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ઉપયોગ શિક્ષકો પોતાના વર્ગખંડ શિક્ષણમાં કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.







