મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. સંજય જોશી (IAS)ની નિમણૂંક

ચૂંટણી પ્રક્રિયા અંગેની ફરિયાદો કે રજૂઆતો માટે ઉમેદવારો અને મતદારો ઓબ્ઝર્વરશ્રીનો સંપર્ક કરી શકશે, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે મોરબી સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ૯૪૨૬૩ ૨૭૨૨૭ નંબર ઉપર ટેલિફોનિક સુવિધા ઉપલબ્ધ

               ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) તરીકે ડૉ. સંજય જોશી (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મીં) નગરપાલિકાઓની બેઠકો માટે તેઓ નિરીક્ષણની કામગીરી સંભાળશે.

               ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો, સૂચનો કે ફરિયાદો માટે સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદાતાઓ ઓબ્ઝર્વરનો સંપર્ક કરી શકે છે. ડૉ. સંજય જોશી (IAS) મોરબી ખાતે રોકાણ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મુલાકાત માટે ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ ઓબ્ઝર્વરશ્રી પ્રવાસમાં ન હોય તેવા સમયે રૂબરૂ મળી શકશે અથવા જરૂર જણાયે લેખિતમાં રજૂઆત કરી શકશે.

               વધુમાં, ત્વરિત સંપર્ક માટે ટેલિફોન નંબર ૯૪૨૬૩ ૨૭૨૨૭ જાહેર કરવામાં આવ્યો છે. લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષક દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો અને હિતધારકોને આ સુવિધાનો ઉપયોગ કરી પારદર્શક ચૂંટણીમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Leave a Comment