મોરબી શહેરના મુખ્ય માર્ગો પર માપદંડવિરોધી સ્પીડ બ્રેકરો દૂર કરવાની કામગીરી તથા નિયમસરના નવા સ્પીડ બ્રેકરો નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં

મોરબી શહેરમાં માર્ગ સલામતીના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવા તથા વાહનવ્યવહાર વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા હેતુસર મોરબી મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આવેલ સ્પીડ બ્રેકર અંગે વિગતવાર ટેકનિકલ સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉક્ત સર્વે પ્રક્રિયા દરમિયાન Indian Roads Congress (IRC) દ્વારા નિર્ધારિત પ્રચલિત નીતિ-નિયમો, માપદંડો તથા ટેકનિકલ માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. સર્વેના અનુસંધાનમાં મુખ્ય માર્ગો પર અનિયમિત રીતે નિર્મિત, માપદંડવિરોધી તથા વાહનવ્યવહાર માટે અવરોધરૂપ સાબિત થતા કુલ ૧૧૮ સ્પીડ બ્રેકર દૂર કરવાની કામગીરી નિયમસર પૂર્ણ કરવામાં આવી છે. પરિણામે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર વધુ સરળ, સુવ્યવસ્થિત તથા સુરક્ષિત બન્યો છે.
વર્તમાનમાં, આગામી તબક્કા અંતર્ગત IRC દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ તેમજ સ્થળવિશેષ ટ્રાફિક ઘનતા, માર્ગની પહોળાઈ, આસપાસ આવેલી શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ તથા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં લઈ જરૂરી સ્થળોએ નિયમસરના સ્પીડ બ્રેકર સ્થાપિત કરવાની કામગીરી અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૬ સ્થળોએ ધોરણસર સ્પીડ બ્રેકર સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલ સ્થળોએ નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા અખબારી યાદી મારફતે જણાવવામાં આવ્યું છે કે ઉક્ત કામગીરીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવો, વાહનોની ગતિનું વૈજ્ઞાનિક તથા નિયંત્રિત સંચાલન સુનિશ્ચિત કરવું તેમજ નાગરિકોને વધુ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પ્રદાન કરવો છે. આગલા સમયમાં પણ સમયાંતરે ટેકનિકલ સમીક્ષા હાથ ધરી જરૂરી સુધારાત્મક તથા નિવારક પગલાં લેવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સર્વ નાગરિકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા, નિર્ધારિત ગતિમર્યાદાનું અનુસરણ કરવા તથા માર્ગ સલામતી જાળવવામાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.


Leave a Comment