મોરબી: શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ બીજા દિવસની કથાનો સાર

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ : મોરબી, કથા સમિતિમાં પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજય અખબારી યાદીમાં જણાવે છે કે, પૂજ્ય ભાઈશ્રીની વાણી દ્વારા કથા સાંભળવી, તે એક અલૌકિક, અલબ્ય લાવવો છે. જેનો ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં આવેલા લોકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો. ભાઈશ્રીએ આઠસો થી સવા આઠસો જેવી કથાઓ કરીને, આધ્યાત્મનો સાચા અર્થમાં સંદેશ જન-જન સુધી પહોંચાડીને, એક ભગીરથ કાર્ય કર્યું છે. ભારતીય અધ્યાત્મ સહિતાનું અને જ્ઞાનનું “કીર્તિ તોરણ” વિશ્વના અનેક દેશોમાં ભાઈશ્રીએ બાંધ્યું છે. જો ભાઈશ્રીના શબ્દોમાં કહું તો “ભાગવત મારો વિશ્વાસ છે, અને રામાયણ મારા પ્રાણમાં છે. તેથી રામાયણ પ્રત્યે મારો દિવ્ય પ્રેમ છે. શ્રીમદ્ ભાગવત મારા અંતર નો અવાજ છે”

આજની કથાના પ્રારંભે ભાઈશ્રીએ કહ્યું કે, વ્યાસ મુનિની આંગળી પકડીને શ્રી કૃષ્ણ તત્વ તરફ આપણે યાત્રા માટે પ્રયાણ કરીએ. અને વિવેક રૂપે ગુરુ પ્રસાદ રૂપે થોડી તાત્વિક અને સાત્વિક ચર્ચા કરીએ. કેમકે એવું કહેવાય છે કે, “જો ઘડી જાય સત્સંગ મેં, જીવન કા ફલ સોય” સત્સંગ એ પુરુષાર્થનું ફળ નથી એ પ્રભુ કૃપાથી પ્રાપ્ત પ્રસાદ છે. રામ કૃપા બીનું સુલભ ન સોઈ”

ભાઈશ્રીએ વચ્ચે કથાનો દોર અટકાવતા કહ્યું કે, એક ભાઈ મને કહેતા હતા કે, તમે કહો છો કે, સત્સંગ એ દુર્લભ છે. પરંતુ હકીકત તો એ છે કે, શેરીએ- શેરીએ અને ગલીએ-ગલીએ કથાઓ થાય છે. તો પછી કથા અને સત્સંગ દુર્લભ છે એવું કઈ રીતે કહી શકાય ??? અને ક્યારેક તો એવું લાગે કે જાણે કથા અને પ્રવચનોનું વાવાઝોડું આવ્યું હોય, એટલી બધી કથાઓ થતી હોય છે. કોઈપણ ટીવી ચેનલ પર જાવ, ત્યાં કથા ચાલુ હોય છે. કથાકારો એટલી બધી સુલભ કથા પ્રવચનો કરી નાખી છે. એટલી બધી અવેલીબિલિટી કરી નાખી છે કે, કથા ઉપલબ્ધતા નો પાર નથી.

આપણે કોઈપણ જગ્યાએથી પસાર થતા હોઈએ, ત્યારે કથા મંડપ જોવા મળે. અને માઈક પર સાંભળવા મળે કે, “શ્રી શુક ઉવાચ” કથા પ્રવચન ચાલુ છે. આમાં દુર્લભતા ક્યાં રહી. તો શું એનો અર્થ આપણે એવો કરવાનો કે ??? પહેલાના યુગોમાં તે દુર્લભ હતી ??? પરંતુ કલિકાળમાં તે સુલભ છે.

સંસ્કૃતમાં એક વાક્ય છે “અતિ પરિચય અવગ્યા:” અતિ પરિચય તે અવગ્યામાં પરિણમે છે. જેને આખું ગામ પગે લાગતું હોય, તેના પાડોશીને તેના માટે એટલો મહીમાં ન હોય. લોકો એ વ્યક્તિના દર્શન માટે ચરણસ્પર્શ કરવા માટે તલસ્તા હોય, આતુર હોય. પરંતુ તેના પાડોશીઓ, જ્યારે તે વ્યક્તિ સવારે નીકળે, તો તેની સામે જોઈને બ્રશ ઘસતા હોય. તેઓને તેમના માટે મહિમા ન હોય. ગામના લોકો તેના એક એક વાક્યને સાંભળતા હોય. તેના વાક્ય-વાક્યમાં આદેશ સમજીને વર્તતા હોય. પરંતુ તેની પત્ની તેનું ન સાંભળતી હોય. અને સંભવ છે કે તે તેના પતિદેવને કહી દેતી હોય કે, “પંડિતજી અપના જ્ઞાન, અપને પાસ રખો”

કેમ કે અતિ પરિચય અવગ્યામાં પરિણમે. ગામ આખું જેનું પૂજન કરતું હોય, પણ ઘણી વખત એવું બને કે, તેનો પોતાનો જ પુત્ર તેના કહ્યામાં ન હોય. કોઈપણ વસ્તુ કે, વ્યક્તિની અત્યંત ઉપલબ્ધતા એ વસ્તુ અથવા એ વ્યક્તિની મહત્વતા ઘટાડે છે. તમે પોતે કથાઓ વાંચી છે. અને તેમાંય ટીવી ચેનલના માધ્યમથી ઔર અધિક અવેલેબલ થઈ છે. ત્યારે તે વ્યક્તિ ફરીને પૂછે છે કે, તો આમાં દુર્લભતા ક્યાં રહી ???

ત્યારે મેં એમને કહ્યું કે શાસ્ત્રોના અભ્યાસ પછી, અને સંતોને સાંભળ્યા પછી, મારી સમજ ડેવલપ થઈ છે. તેના આધારે આપની જિજ્ઞાસાને પ્રત્યુતર સ્વરૂપે શાંત કરવાનો હું પ્રયાસ કરું છું. ઋષિકેશ, હરદ્વાર, પ્રયાગરાજ કે કાશી માંથી પસાર થતી ગંગા સૌના માટે ઉપલબ્ધ છે. “અવેલેબલ ફોર એવરીવન”

ગંગા કોઈને પોતાને ત્યાં આવવા માટે નિમંત્રિત પણ નથી કરતી. અને જે આવે છે તેને અટકાવતી પણ નથી. ગંગા પોતાની મોજમાં અવિરત પ્રવાહીત થઈ રહી છે. ગંગા સૌના માટે ઉપલબ્ધ છે. કદાચ વધારે પડતી ઉપલબ્ધ છે. કારણ કે તમારી દુકાનો રાત્રે નવ કે સાડા નવ વાગ્યે તમે વધાવી લો છો. રાત્રે અમુક જ મેડિકલ સ્ટોર ખુલ્લા હોય. નવ કે સાડા નવ વાગ્યા પછી કિરાણાની દુકાનો બંધ થઈ જાય. રાત્રે બાર કે સાડા બાર વાગ્યે નીકળો તો બજારમાં શોકો પડી ગયો હોય. ત્યારે એવા સમયે પણ ગંગા અવેલેબલ છે. તો શું તમને નથી લાગતું કે આ ગંગાની વધુ પડતી અવેલેબ્લીટી છે ??? “ઓરતો ઓર કોઈ રોકને વાલા તક ભી નહીં હૈ, ગંગા તક જાને મેં રૂકાવટ કરને કે લિયે. કોઈ રોકને ટોકને વાલા બી નહીં ઔર કોઈ દ્વાર ભી નહીં” ગંગા કે દ્વાર હરિદ્વાર હો શકતા હૈ. પરંતુ ખરેખર ત્યાં કોઈ દરવાજો નથી. ગંગાના દ્વાર બંધ થતા નથી. એટલે ગંગા અવિરત અવેલેબલ છે. છતાં તેની મહત્વતા ઘટતી નથી. તે રીતે કથાઓ પણ જ્ઞાનગંગા સ્વરૂપે આવી રીતે વહે છે. તેથી તેની મહત્વતા પણ ક્યારે ઘટતી નથી.

પણ જો તમને રસ અને રુચિ હશે, તો તમારે તે માટે તમારા મનને લગાડવું નહીં પડે. “કિન્તુ મન લગા રહેગા” “લગે રહો મુન્ના ભાઈ” કૃષ્ણ કા ચિંતન ઠીક એસે હી નિરંતર હૈ. અવિરત હૈ. ઉસે યાદ નહીં કરના પડતા. ગોપીયા શ્રીકૃષ્ણ કો ભુલને કા પ્રયાસ કરતી હૈ. ભૂલ નહી પાતી. જે લોકો અત્યારે કથા મંડપમાં કથા સાંભળી રહ્યા છે. તે અથવા જે ટીવી સ્ક્રીન પર પોતાના ઘરે બેસીને કથા સાંભળી રહ્યા છે. જોઈ રહ્યા છે. તે અથવા તો જેને ઘરે રહેવાનો સમય નથી. અને ટ્રાવેલ કરી રહ્યા છે. તો તે પોતાના મોબાઈલના માધ્યમથી કથા શ્રવણ કરી રહ્યા છે. તે બધા વિશે જો વ્યાસજીની વ્યાખ્યામાં કહું તો “બધા કથા શ્રવણ લંપટો છે”. જ્યાં સુધી આવા ઉચ્ચકક્ષાના કથા શ્રવણ રસીકો હશે. ત્યાં સુધી કથા ક્યારેય અરૂચિકર નહીં થાય. તેની મહત્વતા ઘટશે નહીં. રસ લંપટો એટલે ??? તેને અન્યથા ન લેશો. તેનો અર્થ જો કાઠીયાવાડી ભાષામાં કહું તો “રસના ધોયા” ચોટડૂંક. કથાના અત્યંત રુચિકર શ્રોતા.

એક સંત મહાત્માય એવું કહ્યું કે ઈશ્વર એ દુર્લભ નથી. “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની” કણ-કણમાં, ક્ષણ-ક્ષણમાં જળ અને ચેતન દરેકમાં ઈશ્વર છે. તો શું તેની મહત્વતા ઘટી જાય છે ??? ના કદાપી નહીં. “હરિ વ્યાપક સર્વત્ર સમાના”

વધુ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. તો હવા અત્યંત પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ તેની મહત્વતા ઘટતી નથી. કેમકે તે પ્રાણ વાયુ છે. તેના વગર મુંજારો થાય. એમ ઈશ્વર વગર પણ મુંજારો થાય. કથા શ્રવણ કીર્તન વગર પણ મુંજારો થાય. એટલે ગમે તેટલી અવેલેબીલીટી હોય, છતાં તેની મહત્વતા ઘટતી નથી. ઉલટાની દિવસે દિવસે પ્રીતિ વધતી જાય છે. રતિ વધતી જાય છે.

જો કભી સત્સંગ મેં આયા નહીં. કભી સત્સંગ મેં ગયા નહીં. ઉસકો સત્સંગ મેં પ્રીતિ કેસે હો સકતી હૈ ??? ઉસે સત્સંગ કે પ્રતિ રતિ પ્રાપ્ત કેસે હો સકતી હૈ ??? પરંતુ ઘણી વખત એવું થાય છે કે, કથામાં જવાનો કોઈ કાર્યક્રમ ન હોય. અને ઓચિંતા કોઈ કામ માટે ગયા હોય, અને કથા ચાલતી હોય, એને બેસી જઈએ. અને મન ત્યાં એકાગ્ર ચિતે કથા સાંભળવા લાગી જાય. કથા શ્રવણ રુચિકર લાગવા લાગે.

તો આ વિશે વાત કરું તો. વર્તમાન ન્યૂઝ પત્ર કે જેના એડીશન અનેક જગ્યાઓથી રિલીઝ થતા હોય. એવા અખબારના તંત્રી. માત્ર કથાઓનો વ્યવહાર નિભાવવા માટે કથામાં પધાર્યા હતા. કેમ કે આયોજકોએ તેમને આમંત્રણ આપેલું. અને સંજોગ એવા થયા કે, જે દિવસે તેઓ પધાર્યા હતા. તે દિવસે કૃષ્ણ જન્મોત્સવ હતો…. એ….મર્યા (રમુજમાં)

તે દિવસની કથા શ્રવણ બાદ તેઓએ પોતાનો એડિટોરિયમ “સંપાદકીય લેખ” લખ્યો જે સામાન્ય રીતે ચોથા પાના પર શરૂ થતો હોય છે. પરંતુ આ મહાશયે આ સંપાદકીય લેખ લખવાનો શરૂ પ્રથમ પાનેથી કર્યો. મુખ્ય પૃષ્ઠથી લખવા માંડ્યા અને છેક ચોથા પાને અનુસંધાન સુધી લઈ ગયા. જેમાં તેઓએ લખ્યું કે, “ગયા તો થા મેં હાજરી લગાને કે લિયે. ઔર હાજરી લગા કર લોટ આઉંગા. કિંતું વહા જાકે પતા હી નહીં ચલા કી કૃષ્ણ જન્મોત્સવ મેં, મૈં છે ઘંટે તક વહાં બેઠા રહા. મેં કેસા વ્યક્તિ હું, જિસ કી એક સ્વતંત્ર વિચારધારા હૈ. ઓર જિસકે પાસ સમય કી બહોત પાબંદી હૈ. એસી વ્યસ્તતા હૈ. ફિરભી છે ઘંટે મૈં બેઠ પાયા. જબ યહ પ્રશ્ન મૈં સ્વયં સે પૂછતા હું, તો સચમેં હી ઉસકા ઉત્તર નહીં મિલ રહા. ઓર કુછ જ્યાદા સમજ નહીં આયા. અપિતું એસા અનુભવ જરૂર હુવા થા કી કુછ તો બાત હૈ સતસંગ મે. ઔર ન કેવલ યે ધાર્મિક બાતે હૈ. અપિતું યહ માનવતા કી બાતે હૈ. ઔર રાષ્ટ્ર કો જોડને કી બાતે હૈ.

એ વ્યક્તિ એ મહાનુભાવનું નામ કહું તો આપણી વર્તમાન રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંસજી. પછી તો તેઓશ્રી અનેક વખત ભાઈશ્રીને મળવા પણ આવ્યા, અને એમણે કહ્યું કે ભાઈશ્રી, “યહ સબ ઇંગલિશ મેં ભી પ્રસિદ્ધ હોના ચાહિયે. જો યુવા વર્ગ હૈ, જો બૌદ્ધિક વર્ગ હૈ, ઉન્હેભી આધ્યાત્મ કી ખુરાક પ્રાપ્ત હોગી. ઇસ સે જીવન જીને કા એઈમ પતા ચલેગા. જીવન જીવવાનું મકસદ ખબર પડશે. ઈશ્વર સાથેનું સંધાન થશે. “આધ્યાત્મ કા એક નયા નજરીયા પ્રાપ્ત હોગા. ઉસકે લિયે ઉન્હૈ, ઉન્કે સમજ મે આયે, એસે તરીકે સે પરોસના હોગા.

પછી તો એવું થયું કે, જ્યાં પણ કથા હોય, ત્યાં તેમનો સ્ટાફ એ બધું લખવા આવી ગયા હોય. અગાઉ પણ આવા અનેક મહાનુભાવોને આપણે સાંભળ્યા છે કે, જેમને સાંભળવા માટે લોકો તલપાપડ હોય. દાખલા તરીકે સોમનાથ ચેટરજી, ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજી ઔર અટલબિહારી બાજપાઈજી ઉસકે તો ક્યાં કહેને. આ બધાને સાંભળતા હતા, ત્યારે એમ થતું કે, બસ સાંભળતા જ રહીએ. કેમકે એમની દલીલ કરવાની શૈલી. એમનું પ્રેઝન્ટેશન. ભારત માટેની ચિંતા. જનતા માટેનું ચિંતન અને ચિતવન. એમાં દેશને ક્યાં લઈ જવો છે ??? તેનું મનન તેમની વાણીમાં દર્શાય છે. અત્યારે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સંસદભવમાં પ્રથમ વખત ગયા. ત્યારે તેના પગથિયાને વંદન કરીને પ્રણામ કરીને પછી પ્રવેશ કર્યો. અને તેમણે કહ્યું કે, આ લોકતંત્રનું મંદિર છે. આવા ઉમદા વિચારધારા વાળા છે આપણા વર્તમાન વડાપ્રધાન. અને આ સનાતન સત્ય બધા લોકોને સમજાઈ ગયું છે કે, આ ખાલી રાષ્ટ્રની વાત નથી. આ નેશનનું બિલ્ડીંગ નિર્માણ કરવા માટેનો પાયો છે. અને આ પાયામાં મહત્વનું કામ છે. આધ્યાત્મ. અને આધ્યાત્મ હશે, તો જ રાષ્ટ્રભક્તિ પ્રગટશે.

કોરોના મહામારી માં દિવંગત થયેલા મૃતકોના મોક્ષાર્થને માટે આયોજિત આ કથા કે, જેનું આયોજન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ કર્યું છે. તેઓ તેમજ તેમનું પરિવાર અહીં આપ સૌની સેવા અર્થે ઉપલબ્ધ છે. જેમાં તેનો કોઈ હેતુ નથી. કાલે કહ્યું હતું તેમ, સદભાગ્યે તેમના પરિવારનું કોઈ સદસ્ય કોરોનામાં મૃત્યુ પામ્યું પણ નથી. છતાં “અહેતુક હેત” તેમનું પરિવાર કરી રહ્યું છે. અને એ યજમાનના દ્વારા આપણે સૌ આ ભાગવતીય યાત્રા કરી રહ્યા છીએ. જેમાં આપણે ગઈકાલે થોડી સંવાદિક પ્રાપ્તિ થયેલી કે, ગૌકર્ણ મહારાજ દ્વારા પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન કરાયું છે. અને એક આયોજન દેવર્ષિ નારદમુની દ્વારા થયું છે. હરિદ્વારમાં. ગોકર્ણ મહારાજની કથામાં વક્તા ગોકર્ણ મહારાજ પોતે છે. અને ગામના લોકો શ્રવણ કરવા આવ્યા છે. નારદ મુનિજી દ્વારા આયોજિત ભાગવત કથામાં વક્તા સનત કુમારો છે. અને શ્રોતામાં ભૃગુઋષિ, વશિષ્ઠ મુનિ, ગૌતમ ઋષિ,અત્રિ ઋષિ સહિત અનેક ઋષિઓ કથા શ્રવણ માટે “શ્રોતવૃંદ” માં બેઠા છે. ગોકર્ણ મહારાજની કથાનો હેતુ છે. પોતાના ભાઈ ધંધુકારીની મોક્ષની પ્રાપ્તિ. અને નારદમુની ની કથાનો હેતુ છે, ભક્તિ માતાનું દુઃખ દૂર થાય. અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. અને જન કલ્યાણ થાય.

અને આપણી આ મોરબીની કથામાં ઉપરોક્ત બને હેતુઓ સાથે આપણે આ કથા શ્રવણ કરી રહ્યા છીએ. એક તો સદગત દિવંગતોનો મોક્ષ અને બીજું આપણને ભક્તિ તેમજ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય.

અત્યારે અમુક સંતોના નિવેદનો આવી રહ્યા છે. તેનાથી હું નહીં પણ મારા વ્યાસપીઠના જન્મદાતા વ્યાસ ભગવાન દુઃખી થાય છે. ન કેવલ હું એક હિન્દુ તરીકે, ન કેવલ એક બ્રાહ્મણના દીકરા તરીકે, ન કેવલ એક હિન્દુ આધ્યાત્મ પરંપરાના પ્રતિનિધિ તરીકે, પરંતુ સનાતન ધર્મના એક અણુ તરીકે, મને ખૂબ દુઃખ થાય છે. કે અમુક સંતો પોતાના વક્તવ્યમાં કપોડ કલ્પિત વાર્તાઓ ઉભી કરીને, ભગવાન શિવને પોતાના સેવકોના ચરણને વંદન કરાવે છે. આ ખૂબ મોટી હિંસા છે. કે જે તમે કરી રહ્યા છો. તમે સનાતન ધર્મની એક ધારા છો. એમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ તમારા તરફથી આવતા આવા નિવેદનો અમને વ્યગ્ર કરી દે છે. આ બધું બંધ થવું જોઈએ. અને મારા ધ્યાન પર છે કે, આવા વર્ણનો સાથેના ગ્રંથો પણ રચાયા છે. તો સત્વરે ગ્રંથોને પણ હટાવવા જોઈએ. અને અત્યારે ઉપસ્થિત સ્વામી નારાયણના સંતોને હું અત્યંત વિનમ્ર ભાવે કહીશ કે, તમારા જેવા સારા સંતોએ, આવા કોઈ સંત મહાત્મા, જ્યારે આવા નિવેદન કરી રહ્યા હોય, ત્યારે તમે એમને અટકાવો. એ તમારી પહેલી ફરજ બને છે. અને જો આવા ગ્રંથોના વર્ણનો હશે, તો તેનાથી આધ્યાત્મની ખૂબ મોટી હાનિ થશે. સનાતન ધર્મની ખૂબ મોટી હાનિ થશે. એક પ્રકારની હિંસા થશે. અને તમારા સંપ્રદાયને પણ ખૂબ મોટી હાનિ થશે. માટે આવા બાધક વર્ણનો વારા પુસ્તકો ફાડી નાખવા જોઈએ. અને બાળી નાખવા જોઈએ.

અને તમને ખબર હોવી જોઈએ કે, શિવપુરાણ વાંચીએ ત્યારે તેમાં વર્ણન આવે કે, વિષ્ણુ ભગવાન અને ભગવાન બ્રહ્મા પણ હાથ જોડીને શિવની સામે નતમસ્તક ઊભા હોય છે. અને વિષ્ણુ પુરાણ વાંચો ત્યારે તમને વાંચવામાં આવશે કે, ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને ભગવાન શિવ વૈષ્ણવ તરીકે તેમની સામે ઉભા હોય છે. અને જો દેવીપુરાણને વાંચો તો તમને વાંચવામાં આવશે કે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પરા અંબા, આધ્યા શક્તિ સામે હાથ જોડીને ઉભા હોય છે. અને સર્વ દેવતાઓ પણ સ્તુતિ કરતા હોય છે. “શક્રાદય સ્તુતિ” બીજું શું છે ??? તે તેનું પ્રમાણ છે. પણ આવા નિવેદનો જ્યારે હું સાંભળું છું. ત્યારે આ બ્રાહ્મણનું દિલ દુભાય છે. આવું કૃત્ય ન કરો. અને આવું કૃત્ય કરનારાને સંતો તમે અટકાવો. નહિતર સનાતની સાધુઓના જો મગજ વીફરશે, તો તે કોઈના હાથમાં કે અંકુશ માં એ વાત પછી નહીં રહે. અને અરુચિત પર પરિણામો આવશે. માટે વિનંતી કરું છું કે, વ્યાસપીઠ પર બેઠેલા આ બ્રાહ્મણનું દિલ દુભાય છે. આવા નિવેદનો ન કરો. તમે તમારા સેવક ના છોકરાઓ પાસે જો ભોળાનાથને પગે લગાડો એ કેટલા હદ સુધી વ્યાજબી વાત છે. માટે કહું છું સાવધાન થઈ જાવ. સમજીને બોલો. ભોળાનાથ જેવો “વૈષ્ણવ શ્રેષ્ઠ” બીજો કોઈ નથી. અને વિષ્ણુ જેવો “શૈવ” બીજો કોઈ નથી. માટે આવા ગ્રંથો આવા પુસ્તકો જે રચાયા છે, તેને હટાવી દો. નહિતર આ બધું સારું પણ નહીં લાગે અને વાતાવરણ પણ દૂષિત થશે. એવી રીતે કોઈના ઇષ્ટને હેઠો ન પાડો. તમને કદાચ એમાં શ્રદ્ધા હોય. અમને વાંધો નથી. પણ બીજાને હાનિ પહોંચે એવા નિવેદન ન કરો. અમને તો અમારા ગુરુમાં પણ ભગવાન દેખાય છે. એ પોતાની સ્વતંત્ર શ્રદ્ધા છે. તેનાથી કોઈ અન્યના ઇષ્ટને ઉતારી ન પાડો. અરે અંતે એટલું કહીશ કે, અંતઃકરણથી સાચા અર્થમાં ક્ષમાં માંગી લ્યો અને બીજી વખત આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખો.

આત્મહત્યા કરનારા લોકો માટે ભાઈશ્રી બોલ્યા કે, ક્યારેય પણ મનથી નબળા વિચારો ન કરવા. આત્મહત્યાના વિચાર કરનારા લોકો કાયર હોય છે. તેને સાચી સમજ કેળવવાની જરૂર હોય છે. તેની આંખ આડા પડેલા અજ્ઞાનના પડદા હટાવો. એટલે તેને આપઘાત કરવાનો વિચાર જતો રહેશે. આવા લોકોને હેત, પ્રેમ અને હુંફ આપો. મન અપ્રકાશિત અને બુદ્ધિ અશક્ત ન થઈ જાય તેનું ધ્યાન રાખો. મન મજબૂત ત્યારે થાય, જ્યારે મનમાં વિશ્વાસ નામનો શંકર બેઠો હોય. મારો ભોળોનાથ એ અંતઃકરણમાં બિરાજતો હોય. પછી બુદ્ધિ અશક્ત ન થાય. મન કમજોર ન થાય. “મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામયાબ એક દિન”

જે તમારા વિશ્વાસ ને હલબલાવી દે એવા નુગરાની સાથે ન બેસવું. “નર રે નુગરાની હારે, નેડલો ન કરવો” પહેલી કડી ગોતવા “ગુગલમ્ શરણંવ્રજ:” (રમુજમાં) ગુગલ કરો. ગુગળ કરો. “ધુપને રે ધુંમાડે વહેલા આવજો રે” માટે નુગરા થી છેટા રહેવુ. જીવનમાં તોફાનો, જંજાવાતો આવવાના. પણ એ જંજાવાતો થી ડરી જવાનું નથી.

ઘણી વખત બુદ્ધિ સ્વાર્થી થઈ જાય છે કે, આમાં મને શું ફાયદો ???આમાં મારું શું ??? અને સમાજમાં હમણાં આનો ટ્રેન્ડ ચાલે છે કે, તેના ઘરે થયું છે ને, તેમાં મારે શું ??? અથવા તેના સમાજમાં આવું થયું છે ને, તેમાં મારે શું ??? આવો એક ટ્રેન્ડ ચાલે છે. જાણે પોતાની જવાબદારીઓ માંથી સાવ અળગા થઈ ગયા. લંપી નો રોગ હમણાં ગાય માતાઓમાં ફેલાયો છે. પણ અમુક લોકો એવું જ કહે છે કે, એમાં મારે શું ???

આ મારે શું ???? અને મારું શું ??? આ બે ભાવ જેની બુદ્ધિમાં હોય. એ આવા ભવ્ય, વિશાળ, દિવ્ય આયોજન ન કરી શકે. એ સમાજ માટે ઘસાઈ ન શકે. ગોરસીયાની ઉપર જે ચંદન ઘસાઈ ને… એ ભગવાનની સેવા માટે ઘસાઈ છે. અને એ ચંદનથી ભગવાનની પૂજા થાય છે. પરંતુ ભગવાનની પૂજાની પ્રથમ એ ગોરસીયા અને સુખડની પહેલા પૂજા કરવામાં આવે છે. માટે ઘસાઈ છૂટવાની ભાવના આ પરિવારમાંથી તમે બધાય લેજો.

કથાના દોરમાં જો પાછા આવીએ, તો ધુન્ધુડીએ તે ફળ ન ખાધું. અને એ ફળ ગાયને ખવડાવી દીધું. અને પોતાની બહેનના બાળકને પોતે જણેલું બાળક છે. એવું કહ્યું. અને એ દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. જે તમામ રીતે દુષ્ટ સ્વભાવનો અને બગડેલ માનસિકતા વાળો હતો. અને જે ફળ ગાય એ ખાતું હતું. તેણેં એક બાળકને જન્મ આપ્યો. તેના કાન મોટા હોવાથી તેનું નામ ગૌકર્ણ પાડવામાં આવ્યું. તે ખૂબ જ ભક્તિ ભાવ વાળો હતો. અને ધુન્ધુકારી ન ખાવાનું ખાતો. અને ન પીવાનું પીતો. અને ત્રિવ્ર કુસંગ થયો. અને બધા જ પ્રકારના અધર્મ અને અધમ પાપ તેણે કર્યા. જ્યારે ગૌકર્ણ એટલે ગાય જેવા કાનથી સાંભળેલું જ્ઞાન. એટલે ગૌ કર્ણ. જે જ્ઞાની પુરુષ હતા.

ઇમિગ્રેશન ક્લિયરન્સ અને કસ્ટમ ક્લિયરન્સ હોય, તો સત્યલોકમાં પ્રવેશ મળે. સ્વર્ગમાં પ્રવેશ મળે. નહીંતર તમને સીધા પ્રવેશ ન મળે. માટે સારા કાર્ય હોય, તો જ તમારી સદગતિ થાય. એ ન ભૂલવું. અને જેમ વિદેશ પ્રવાસ કરવો હોય, ત્યારે પાસપોર્ટ જોઈએ. તે રીતે ઉધ્વગતિ કરવા માટે, મોક્ષ માટે શ્રદ્ધા અને સદગુરુ રુપી પાસપોર્ટ જોઈએ.

ધંધુકારી તો અતિ દુષ્ટ હતો. છતાં ગૌકર્ણની કથા દ્વારા તેને ઉદ્ભગતિ પ્રાપ્ત થઈ. મોક્ષ થયો. તો આપણા દિવંગત આત્માઓ આટલા પાપી ન હતા કે, તેમની ઉર્ધ્વગતિ ન થાય. કથા શ્રવણ મનન ચિંતન થી, એની ઉધ્વગતિ થશે. માટે આપણે સૌ રોજ આ કથા શ્રવણનો અને પૂજનનો લાભ લઈએ.

આ રીતે બીજા દિવસની કથાના મુખ્ય અંશો શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા સમિતિ “મીડિયા વિભાગ”ના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અખબારી યાદી માટે જણાવવામાં આવ્યા છે. જે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. તેમ જ આગંતુક સંતો અને મહાનુંભાવોની યાદી પણ આ સાથે સામેલ છે.