મોરબી, ટંકારા અને વાંકાનેર મતવિસ્તારની વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
મોરબીની ત્રણ બેઠક પર ૯૦૫ બુથમાં ૮.૧૭ લાખ મતદારો મતદાન કરશે , ૫૧.૬૪ ટકા પુરુષોની સાથે ૪૮.૩૬ ટકા મહિલાઓ, લોકશાહીના પર્વમાં સમાન રીતે ભાગીદાર બનશે




સમગ્ર ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબી ચૂંટણી શાખા સાથે સંપૂર્ણ વહીવટી તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વ અન્વયે સમગ્ર જિલ્લામાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો: ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતવિસ્તાર માટે આગામી ચૂંટણીમાં ઓગસ્ટ માસની સ્થિતિએ ૮,૦૫,૧૦૭ મતદારો નોંધાયા છે જેમાં ૪,૧૬,૧૨૩ પુરુષો અને ૩,૮૮,૯૮૧ મહિલાઓનો તથા ૩ અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખા દ્વારા ૧૦ ઓક્ટોબરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આખરી મતદાર યાદી અનુસાર ૫,૯૨૪ પુરુષો તથા ૬,૩૦૩ મહિલાઓ તથા ૧ અન્ય જાતિના ઉમેદવારો મળી ૧૨,૨૨૮ નવા મતદારો ઉમેરાયા છે. આમ કુલ ૮,૧૭,૩૩૫ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.
મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના ૨૯૯ બુથ ટંકારા મતવિસ્તારના ૩૦૦ બુથ તથા વાંકાનેર મતવિસ્તારના ૩૦૬ બુથ મળી કુલ ૯૦૫ બુથ પર મતદાન થનાર છે. વહીવટી તંત્ર દ્વારા આ બુથ મુજબ ઇવીએમ અને વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવશે.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને કોઈ સમસ્યા ન ઉદ્ભવે તે માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ઇવીએમ નિર્દર્શન તથા ઇવીએમ કેન્દ્રની ચકાસણી વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે.
