વવાણીયા ખાતે મોરબી જિલ્લા કક્ષાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના હસ્તે ચેરની સિંગનું વાવેતર કરાયું, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં નવલખી દરિયાઈ વિસ્તારમાં ચેરની સિંગોનું વાવેતર કરાયું, 

ઔધોગિક હબ એવા મોરબીમાં ઓક્સિજન અને કાર્બનનું સંતુલન જાળવવા માટે વૃક્ષોની મહત્વની ભૂમિકા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા

મોરબી ખાતે ‘મિષ્ટી’ અભિયાનના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીમાં માળિયા તાલુકાના વવાણીયા ગામ પાસે આવેલા નવલખી દરિયાઈ વિસ્તારમાં ચેરની સિંગોનું વાવેતર કરી જિલ્લા કક્ષાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “કોરોનાએ આપણને જીવનનાં વૃક્ષોનું શું મહત્વ છે તે સારી રીતે સમજાવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોની તંદુરસ્તી અને પર્યાવરણની ચિંતા કરીને ‘મિષ્ટી’ અભિયાન શરૂ કર્યું છે. જમીનનું ધોવાણ અટકાવવા અને દરિયાની ખારાશ આગળ વધતી અટકાવવા ચેરના વાવતરનો સંકલ્પ અગત્યનો છે”. ઔધોગિક હબ એવા મોરબીમાં ઓક્સિજન અને કાર્બનનું સંતુલન જાળવવા વૃક્ષોની ભૂમિકા મહત્વની જણાવી તેમણે સૌને એક એક વૃક્ષ વાવવા અને ઉછેરવા માટે વિનંતી કરી હતી.

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સોમનાથ, દ્વારકા વગેરે વિસ્તારની જેમ મોરબીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ નારિયેળી અને ખારેક જેવી ફળાઉ ખેતી શક્ય બનાવવા માટે પ્રયોગ કરવા વન વિભાગને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “મોરબીમાં દરેક ઓદ્યોગિક એકમ ૨૦૦-૫૦૦ વૃક્ષો વાવી તેનો ઉછેર કરે તેવી નમૂનારૂપ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી વાતાવરણના સુધારા અને પર્યાવરણને બચાવવામાં આપણે સૌ મહત્વની ભૂમિકા ભજવીએ”.

ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીઓ પર્યાવરણને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે”. વૃક્ષારોપણના આ અભિગમને ઉમદા જણાવી તેમણે દરેક લોકોને એક વૃક્ષ વાવવા માટે શપથ લેવા જણાવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચનમાં નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીનએ જણાવ્યું હતું કે, “ચેર (મેન્ગ્રોવ) એ કુદરતની અનન્ય ભેટ છે. ચેર દરેક જગ્યાએ ઉગી શકતું નથી, તેના માટે યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ હોવું જરૂરી છે. આપણે નસીબદાર છીએ કે આપણે ત્યાં ચેર ઉગીને વિકાસ પામી શકે છે કારણ કે, વર્ષોની તપસ્યા બાદ નાનું લાગતું આ ચરનું વૃક્ષ ઉગે છે જે કલાઈમેટ ચેન્જની આ લડાઇમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેરના વૃક્ષોના સામૂહિક વિકાસ માટે ૨૦૨૩ થી ૨૦૨૮ સુધી આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવનાર છે. આ વખતના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન અન્વયે  પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિકને જાકારો આપવા જણાવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ.શ્રી ચેતનભાઈ દાફડાએ કરી હતી.

દર વર્ષે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં ચેર(મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘MISHTI’ (મેન્ગ્રોવ ઇનિશિયએટિવ ફોર શોરલાઈન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ) અભિયાન શરૂ કર્યું છે. દરિયાઈ કાંઠાના સંરક્ષણ માટે અને ધોવાણ અટકાવવા માટે મોરબી ખાતે વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષો વાવવાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા માળિયા તાલુકાના વવાણીયા ગામમાં નવલખી દરિયાઈ જંગલ વિસ્તારમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજરોજ ૨ હેક્ટર વિસ્તારમાં ૮૦૦ બેડ અને પ્રતિ બેડમાં ૧૦ સિંગ મળી કુલ ૮ હજાર જેટલી ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબી વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વન વિભાગ હેઠળના ૭૭૭૦ હેક્ટર અનામત વિસ્તારમાંથી ૨૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા યોગ્ય વિસ્તાર પસંદ કરી ચેરના વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, વલસાડ અને સુરત જિલ્લાની સાથે મોરબીમાં પણ ‘મિષ્ટી’ કાર્યક્રમ યોજાયો હતો. જે દરમિયાન સર્વે મહાનુભાવો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે યોજાયેલા કાર્યકમમાં અને વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ ઉદ્બોધનમાં ઈ-માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે ઉપસ્થિત સૌએ મિશન લાઈફ શપથ લીધા હતા.

આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, હળવદ અને માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અગ્રણી સર્વ મણીભાઈ સરડવા, મનીષભાઈ કાંજીયા, ગોપાલભાઈ સરડવા, રાજેન્દ્રસિંહ જાડેજા, હળવદ મામલતદાર બી.જે.પંડ્યા, વવાણીયા તેમજ આસપાસ ગામના સરપંચઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.