બિપરજોય વાવાઝોડાના પગલે વન વિભાગ દ્વારા જિલ્લામાં ૯ જટેલી ટીમો કાર્યરત

વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસનો કંટ્રોલરૂમ કાર્યરત કરી હેલ્પલાઈન નંબર ૦૨૮૨૮-૨૨૦૭૦૧ જારી કરાયો

બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્રની સાથે વન વિભાગ દ્વારા પણ આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મોરબી જિલ્લાનો દરિયા કિનારો મુખ્યત્વે ખાડી વિસ્તાર અને ટાપુઓ ધરાવે છે જેનો મુખ્યત્વે ભાગ વન વિભાગને હસ્તક છે. ત્યારે વન વિભાગ દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.

વાંકાનેર રેન્જ હેઠળ કુહાડી, ધારીયા, દોરડા, ચેઈન-સો, ટ્રાન્સપોર્ટ વાહન વગેરે સાધનો તેમજ  ૨૫ જેટલા કર્મચારીઓની સાથે એક ટુકડી કાર્યરત કરવામાં આવી છે. મોરબી રેન્જ હેઠળ ઉપરોક્ત જરૂરી સાધનો તેમજ યુનિફોર્મ જેકેટ સાથે બે ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. સામાજિક વનીકરણ રેન્જ હેઠળ મોરબી તેમજ માળિયા ખાતે જરૂરી સાધનો સાથેની એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. મોરબી ક્ષેત્રીય રેન્જ હેઠળ મોરબી, ટંકારા તેમજ હળવદ ખાતે જરૂરી સાધનો સાથે કર્મચારીઓની ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જ્યારે વન્યપ્રાણી રેન્જ હળવદ હેઠળ હળવદ ખાતે પણ જરૂરી સંસાધનો સાથે ૨૫ કર્મચારીઓની બે ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે.

નાયબ વન સંરક્ષકશ્રીએ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, આકસ્મિક સંજોગો માટે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જેનો નંબર ૦૨૮૨૮-૨૨૦૭૦૧ જારી કરવામાં આવ્યો છે. વાંકાનેર ઉપરાંત મોરબી ચેર રેન્જ, મોરબી ક્ષત્રિય રેન્જ, હળવદ વન્યપ્રાણી રેન્જ, ટંકારા સામાજિક વનીકરણ રેન્જ, મોરબી સામાજિક વનીકરણ રેન્જ ખાતે પણ ઇન્ચાર્જ અધિકારી/કર્મચારીઓની ટીમ સાથે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.