મોરબી PGVCL ટીમ સંપૂર્ણ સજ્જ ૧૮ ટીમ તૈનાત, ૨૨૫૩ ટ્રાન્સફોર્મર, ૩૧૪૨ પોલ ઉપલબ્ધ

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે મોરબી પીજીવીસીએલ ટીમ સંપૂર્ણ સજ્જ

બિપરજોય વાવાઝોડાના પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આકસ્મિક સમયમાં વીજ પોલ ધરાશાય થાય કે વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય ત્યારે તેને શક્ય તેટલું ઝડપી પૂર્વવત કરી શકાય તે માટે વિવિધ સાધનો સાથેની ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે.

આ બાબતે વધુ વિગતો આપતા મોરબી પીજીવીસીએલ કચેરીના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયરશ્રી એસ.એચ. રાઠોડે જણાવ્યું હતું કે, મોરબીની ચાર વિભાગીય કચેરીઓ મોરબી સીટી-૧,  મોરબી સીટી-૨, હળવદ અને વાંકાનેર મળી કુલ ૧૮ ટીમો બનાવવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં ૫ – ૫ જેટલા કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે.  કોન્ટ્રાક્ટર્સની ૩૮ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં પણ ૩૫૧ જેટલા માણસોનો સમાવેશ થાય છે. વાહનોની વાત કરીએ કચેરી હસ્તકના ૫૧, કોન્ટ્રાક્ટર પાસેના ૧૯ બોલેરો, ૧૯ ટ્રેક્ટર તેમજ ૧૩ જેટલા ખાડા કરવાના મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. મોરબી દ્વારા ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે જેના હેલ્પલાઇન નંબર ૦૨૮૨૨-૨૪૨૨૯૦ અને મોબાઈલ નંબર ૯૯૭૮૯૫૪૩૪૭ જારી કરવામાં આવ્યા છે. આ બંને નંબર ૨૪ કલાક ઉપલબ્ધ છે.

વિભાગીય કચેરીઓ ખાતે પણ કાર્યપાલક ઈજનેર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને વર્તુળ કચેરીમાંથી પણ એક ડેપ્યુટી એન્જિનિયર્સ નોડલ અધિકારી તરીકે કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત વિભાગીય ટીમ અને કોન્ટ્રાક્ટર્સની ટીમના મનીટરીંગ કરવા માટે પણ નોડલની નિમણૂક કરવામાં આવી છે. મોરબી વર્તુળ કચેરી હેઠળની તમામ કચેરીઓ મળીને કુલ ૩૧૪૨ જેટલા પોલ અલગ અલગ લોકેશન ઉપર મૂકી દેવામાં આવ્યા છે. જેથી જરૂર પડે નજીકના સ્થળેથી તે ઉપલબ્ધ કરાવી શકાય. મોરબી વિભાગીય કચેરી-૨ ની હેઠળ કોસ્ટલ સબ ડિવિઝન પીપળીયા આવે છે જ્યાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખી એક કોન્ટ્રાક્ટરની ટીમ બનાવવામાં આવી છે. તેમની પાસે જરૂરી તમામ મશીનરી ઉપલબ્ધ છે. અમારી પાસે ૨૨૫૩ જેટલા ટ્રાન્સફોર્મ ઉપલબ્ધ છે. અને  જરૂર પડયે ઝડપથી ફાળવી શકાય તે માટે વિભાગ કચોરીઓને તે આપવામાં આવેલ છે. ઉપરાંત નાનો મોટો તમામ સમાન યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે.