મંત્રીએ મોરબી જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી;અધિકારીઓ સાથે વાત કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી

મંત્રીએ કંટ્રોલ રૂમના રજીસ્ટર – રેકોર્ડ તપાસી કંટ્રોલ રૂમની કામગીરીનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે સવારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મંત્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જ માળિયા પ્રાંત અધિકારી તેમજ આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે ફોન જોડી ત્યાંની સ્થિતી વિશે માહિતી મેળવી હતી અને ત્યાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.

ઉપરાંત મંત્રેએ સેટેલાઈટ ફોન વડે વવાણીયાના તલાટી વિશાલ દવે સાથે કોલ જોડી સેટેલાઈટ ફોનની કામગીરી અંગે ખાતરી કરી હતી. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેના રજીસ્ટર તપાસી ફરિયાદના નિવારણ માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની પણ જાણકારી મેળવી હતી. વધુમાં મંત્રીએ કંટ્રોલ રૂમના કર્મચારીઓ સાથે વાતચીત કરી મળેલી ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે સંદર્ભે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી અને કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. ઉપરાંત મંત્રીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકત લઈ ત્યાં આકસ્મિક સંજોગો માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે પણ સમીક્ષા કરી હતી.

આ તકે કલેક્ટર જી.ટી.પંડ્યાએ મંત્રીને કંટ્રોલ રૂમની સમગ્ર કામગીરી અને ફરિયાદ નિવારણ માટેના પગલાઓથી વાકેફ કર્યા હતા.આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, ડિઝાસ્ટર કચેરીના ડી.પી.ઓ. આમરીન ખાન અને કંટ્રોલ રૂમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.