વ્યક્તિગત/ જૂથમાં બનાવો પોતાના જ ખેતરમાં પિયત માટે પાણીનો ટાંકો
“રાત્રે પિયત આપવાના બદલે બોર કે કૂવામાંથી પાણી લઈ પાણી ટાંકામાં એકઠું કરીને દિવસ દરમિયાન પણ પિયત આપી શકીએ છીએ.” -રસુલભાઈ હબીબભાઈ વડાવિયા
રાજ્યના ખેડૂતો ખેતીના પાકોનું વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતોના ખેતરના પાકોને અનિયમિત વરસાદના નુકશાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી રાજ્યના પિયત હેઠળના વિસ્તારને વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને વધારવા અને ખેડૂતોમાં સામાજિક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે જૂથમાં/વ્યક્તિગત ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતને તેની મહેનતનું પરિણામ મળી રહે છે અને પાક ઉત્પાદકતા અને ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થતા બચાવી શકાય છે. ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવામાં આવે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામમાં ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજનાના લાભાર્થી રસુલભાઈ હબીબભાઈ વડાવિયા જણાવે છે કે, “ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી એક જ જગ્યાએથી મોટા વિસ્તારમાં પિયત આપી શકીએ છીએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને વધુ વિસ્તારમાં પિયત પાકોનું વાવેતર કરી શકીએ છીએ. ભૂગર્ભ પાણીના ટાંકામાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીનો બગાડ અટકાવી શકીએ છીએ અને ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી બોરના ગરમ પાણીને ઠંડુ કરી પિયત આપવાથી પાકને સારો ફાયદો થાય છે. આ સિવાય રાત્રે પિયત આપવાના બદલે બોર કે કૂવામાંથી પાણી લઈ પાણી ટાંકામાં એકઠું કરીને દિવસ દરમિયાન પણ પિયત આપી શકીએ છીએ. આ સહાય અંતર્ગત મને રૂ. ૧,૦૬,૫૭૫ ની સહાય મળી છે.”
આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડુતે વ્યક્તિગત અથવા તો બે કે તેથી વધુ ખેડૂતોનું જુથ બનાવી પોતના જ ખેતરમાં પાણીનો ટાંકો બનાવવાનો રહે છે. જે માટે જે-તે ખેડૂતે I-Khedut પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહે છે. યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટર અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટર ક્ષમતાવાળા આર.સી.સીના પાણીના ટાંકાનો સમાવેશ કરવાનો રહે છે. આ યોજના લાભ હેઠળ ખેડૂતને ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછા હોય તે ચુકવવામાં આવે છે.