હાલનાં ગ્લોબલ વોર્મિંગની અસરથી પર્યાવરણ અને સૃષ્ટીને બચાવવા હાનિકારક પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીએ

૩  જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને તેનું અસરકારક મેનેજમેન્ટ એ સુરક્ષિત પર્યાવરણ માટે પાયારૂપ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરી છે, પ્લાસ્ટિકના પ્રયોગ પર અવરોધ લગાવીએ જીવનને સ્વસ્થ અને નિરોગી બનાવીએ

ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટિક મુક્તિ માટેની એક વૈશ્વિક પહેલ કરી રહ્યાં છે. જેને અનુલક્ષીને દર વર્ષે ૩ જી જુલાઇએ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુકત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ સૌ નાગરિકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દુર રાખવા પ્રોત્સાહિત કરવાની સાથે કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ “પર્યાવરણ” જેનું જતન કરવાનું છે.

ભારતનું બંધારણ આપણને યાદ અપાવે છે કે “ભારતના નાગરિક” હોવાના કારણે રાષ્ટ્ર પ્રત્યેની આપણી એક નાગરિક તરીકે ની જવાબદારીઓ છે જેના થકી રાષ્ટ્રને મહાન અને સુરક્ષિત બનાવી શકાય. પ્લાસ્ટિક મુક્ત એક ખૂબ જ મહત્વનું પગલું નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા રાષ્ટ્રહિતમાં લેવામાં આવ્યું છે અને એને અમલ કરવું દરેક નાગરિકની ફરજ અને જવાબદારી છે જેથી આવનારી પેઢી ને આપણે સારું અને સુરક્ષિત પર્યાવરણ આપી શકીએ.

“પ્લાસ્ટિક મુક્ત ભારત” એ વિચારને અનુસરવું અધરું જરૂર છે ૫ણ અશકય તો નથી જ. આપણી ફરજ છે કે, સમગ્ર સૃષ્ટિ અને તેમાં વસતા માણસો અને જીવ જંતુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા આપણું યોગદાન આપીએ અને પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૫ણ ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જન આંદોલન છેડવા આહવાનની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત પણ હાથ ધરી છે. ભારત દેશ સહિત રાજ્યોમાં પ્લાસ્ટિક નાબુદી માટે અનેક કાર્યક્રમો કરીને લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલા આહ્વાનને અનુરૂપ ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે નિશ્ચિત પગલાં લઈ રહ્યું છે. ત્યારે પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને રોકવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બે સ્તંભો સાથેની વ્યૂહરચના અપનાવી છે: ઓળખાયેલ સિંગલ-યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધનો અમલ, અને અમલીકરણ. પ્લાસ્ટિક પેકેજિંગ પર વિસ્તૃત ઉત્પાદક જવાબદારી. પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી (ઇપીઆર) માટેની માર્ગદર્શિકા ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સૂચિત કરવામાં આવી હતી, જેમાં ઇપીઆર, પ્લાસ્ટિક પેકેજિંગ કચરાનું રિસાયક્લિંગ, સખત પ્લાસ્ટિક પેકેજિંગનો પુનઃઉપયોગ અને રિસાઇકલ પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરવા માટે ફરજિયાત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિકને નાશ થતાં ૧૦૦૦ વર્ષો વર્ષથી પણ વધુ સમય લાગે છે. તેને બાળવાથી પણ તે પર્યાવરણમાં ડાયોક્સીન સહિત હાનિકારક વાયુઓ છોડે છે. પયૉવરણ માટે ભારોભાર નુકસાનકારક એવા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક જાગૃત નાગરિક તરીકે હવા, પાણી, જમીન અને આરોગ્ય માટે ખુબ જ હાનિકારક એવા પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળીને દરેક વ્યક્તિએ પર્યાવરણનું જતન કરવું તે હાલનાં ગ્લોબલ વોર્મિંગનાં સમયની માંગ છે અને એ સૌની નૈતિક ફરજ બને છે.

પ્લાસ્ટિક પ્રદુષણના કારણોઅસરો અને ઉપાયો

પ્લાસ્ટિકનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો હોવાથી સૌથી વધારે પ્લાસ્ટિક પ્રદૂષણ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિકથી ઉત્પન્ન થતો કચરો વાતાવરણમાં વર્ષો વર્ષ સુધી રહે છે. જેને કારણે પાણી, જમીન અને વાયુ પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકની બોટલો અને કોથળીઓ રીસાઈકલ ન થવાને કારણે જમીનમાં દટાતી જાય છે જેને કારણે કેટલાક હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે માટીની ગુણવત્તાને ઘટાડીને વૃક્ષોની વૃદ્ધિને અટકાવે છે. પ્લાસ્ટિકને બાળવાથી તેમાં રહેલો કાર્બન હવામાં ભળે છે અને તે વાયુ પ્રદુષણ ઉત્પન્ન કરે છે જે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનકર્તા છે.

પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે આપણે પોતાના જ ઘરથી શરૂઆત કરવી પડશે સામાનની ખરીદી માટે કાગળ/કાપડની થેલી રાખવી જોઈએ જેથી પોલીથીનનો ઉપયોગ ઓછો કરી શકાય. જે પ્લાસ્ટિક રિસાયકલ થઇ શકે તેને રિસાયકલ કરીને એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ જેનાથી પ્રદૂષણ ઓછું થાય, પ્લાસ્ટિકની વસ્તુઓને નદી-નાળામાં ન ફેંકતા તેની માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ, પ્લાસ્ટિકની વસ્તુઓને સળગાવવી જોઇએ નહીં જેથી પ્લાસ્ટિકને કારણે થતું વાયુ પ્રદૂષણ અટકાવી શકાય, પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સખત પગલાં લેવા જોઈએ જેથી પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવામાં મદદ મળી શકે, જે પ્લાસ્ટિક રિસાયકલ ન થઇ શકે તેવી વસ્તુઓના ઉત્પાદન પર રોક લગાવવી જોઈએ અને લોકોએ પ્લાસ્ટિક બેગો, પાણીની બોટલો તથા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલનો નહિવત ઉપયોગ કરવો જોઈએ.

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સ્વચ્છ અને ગ્રીન ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક વ્યક્તિએ આ અભિયાનમાં ભાગ લેવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. દરેકની મદદથી ભારતને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવી વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ છીએ.