વિશેષ : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામાની જીવન ગાથા

આલેખન : રાધિકા જોશી : દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સનો જન્મ 6 જુલાઈ 1935માં તિબેટનાં ટાક્ટસર શહેરમાં થયો હતો. તેઓ તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા હતા. 1989ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામા બૌદ્ધ ધર્મની એક શાખા લામાવાદની ‘યેલો હૅટ’ (Yellow Hat) પરંપરાના વડા છે. ‘દલાઈ’ એટલે મહાસાગર યા શાણપણનો ભંડાર અને ‘લામા’ એટલે બૌદ્ધ સાધુ. આમ ‘દલાઈ લામા’ એટલે શાણપણના ભંડાર એવા બૌદ્ધ સાધુ. હાલના દલાઈ લામાનો જન્મ તિબેટી કુટુંબમાં લ્હાસા નજીક આવેલી આમ્ડો ગામની ટેકરી ઉપર એક ઝૂંપડીમાં થયો હતો. તેમના પિતા મધ્યમવર્ગના ખેડૂત હતા.

દલાઈ લામાનું જન્મ નામ લ્હામો થોન્ડુપ હતું.તેઓ 14મા દલાઈ લામાના સ્થાને પસંદગી પામ્યા. પ્રત્યેક દલાઈ લામા તે પૂર્વના દલાઈ લામાનો અવતાર હોવાનું માની લેવામાં આવે છે. ટાક્ટસર પ્રદેશ ચીનની સરકારના અંકુશ હેઠળ હતો. આથી તે સરકારે આ બાળકને લઈ જવા દેવાના બદલામાં મોટી રકમની માંગ કરી. પરિણામે સમગ્ર પરિવારને બૌદ્ધ ધર્મના ધાર્મિક કેન્દ્ર ખાતે લ્હાસામાં લઈ જવાયો. ફેબ્રુઆરી, 1940માં તેઓને 14મા દલાઈ લામા તરીકે ઘોષિત કરાયા. પરંપરાગત ધાર્મિક વિધિ સાથે આ ઘોષણા કરવામાં આવી હતી. તેઓ ‘ગ્યાલ્વા રીન્પોચે’ એટલે કે અમૂલ્ય અને ગુણવાન વ્યક્તિ તરીકે માન્ય બને છે. લ્હાસા ખાતે 1000 ઓરડાઓનો બનેલો આ મહેલ ‘પોટાલા પૅલેસ’ દલાઈ લામાઓનું નિવાસસ્થાન છે. ત્યાં અન્ય સાધુઓ પણ હોય છે જેઓ બાળ દલાઈ લામાઓને ખાનગી શિક્ષણ દ્વારા શિક્ષણ અને ધાર્મિક તાલીમ આપે છે. દલાઈ લામા અહીં બૌદ્ધ ધર્મને ઊંડાણથી પામ્યા. સાથે અંગ્રેજી, ગણિત અને વિશ્વની ભૂગોળનો તેમણે અભ્યાસ કર્યો. તત્વજ્ઞાનમાં પીએચ.ડી. સમકક્ષનું જ્ઞાન તેમણે મેળવ્યું.

14મા દલાઈ લામા તિબેટના આધ્યાત્મિક નેતા અને રાજકીય શાસક — બંને ગણાય છે. 1912થી એટલે કે 13મા દલાઈ લામાના કાળથી તિબેટ ચીની પ્રભુત્વથી મુક્ત સ્વતંત્ર પ્રદેશ બન્યો. 1950માં ચીને આક્રમણ કરીને આ પ્રદેશને ચીનના પ્રાંત તરીકે જાહેર કરતાં તે હાલમાં ચીનનો પ્રદેશ છે અને 14મા દલાઈ લામા ત્યાંથી ભાગીને ભારત આવ્યા. અલબત્ત, આક્રમણ છતાં ચીને તિબેટનું ધાર્મિક સ્વાતંત્ર્ય અને રાજકીય પ્રથા હતી તેમ જાળવી રાખેલી. જોકે તેનાં થોડાં વર્ષો બાદ ઘણા ચીનાઓ તિબેટમાં સ્થાયી થયા. આથી બંને દેશો વચ્ચે નાનાં યુદ્ધો થયાં. 1959માં ચીનની લડાયકતા વધી. તિબેટના અસ્તિત્વનો અંત આવવાનો ડર ઊભો થતાં પ્રજાએ દલાઈ લામાને ભગાડીને ભારત મોકલી દીધા. ભારતે તેમને હિમાચલ પ્રદેશમાં ધરમશાલા ખાતે આશ્રય આપ્યો, જ્યાં આજે પણ ઘણા તિબેટી પરિવારો સાથે દલાઈ લામા વસે છે. આથી તેને ‘દેશનિકાલ ભોગવતી તિબેટી સરકાર’ નામથી ઓળખવામાં આવે છે.

દલાઈ લામાએ આ અંગે ચીન સાથે સંઘર્ષને બદલે શાંતિમય વિરોધનો માર્ગ પસંદ કર્યો છે. તિબેટી સંસ્કૃતિ અને ધર્મને જાળવવા તેમણે ભગીરથ પ્રયાસો કર્યાં છે. આ અંગે તેઓ વારંવાર યુ.એન.ની સામાન્ય સભામાં પ્રશ્નો ઉઠાવી ઠરાવો મંજૂર કરાવે છે. ત્યાં માનવ અધિકારોનું ઘણા પ્રમાણમાં હનન થાય છે, પરંતુ આ પ્રશ્નનો કોઈ કાયમી નીવેડો આવ્યો નથી. તેમના શાંતિ માટેના પ્રયાસોથી પ્રેરાઈને 1989માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

‘માય લૅન્ડ ઍન્ડ માય પીપલ’(1983) દલાઈ લામાની આત્મકથા છે. જે આંતરરાષ્ટ્રીય ‘બેસ્ટ સેલર’ બની હતી. તેમનું જન્મનું નામ લ્હામો થોન્ડુપ 1940માં ‘દલાઈ લામા’ તરીકે જાહેર કરાયા ત્યાં સુધી તેમણે જાળવી રાખ્યું હતું.

1958 સુધી તેઓ તિબેટના રાજકીય શાસક પણ હતા. ઑક્ટોબર, 1958માં ચીને તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે દલાઈ લામાએ દેશવટો સ્વીકાર્યો અને ભારતમાં રાજકીય આશ્રય લીધો. ત્યારથી તેઓ ભારતમાં હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે રહે છે.

વીસમી સદીમાં તિબેટને રાષ્ટ્ર બનાવવામાં અને તિબેટનાં સમાજ તેમજ સંસ્કૃતિના ઘડતરમાં હાલના દલાઈ લામાનું પ્રદાન મહત્વનું ગણાય છે. તિબેટના લોકો માને છે કે દરેક દલાઈ લામા એ અગાઉના દલાઈ લામાનો અવતાર હોય છે. પ્રથમ દલાઈ લામા(1391–1475)એ મધ્ય તિબેટમાં તાશિલહન્પો ધર્મમઠની સ્થાપના કરી હતી, જેના તેઓ પ્રથમ મઠાધિપતિ બન્યા હતા.

ઑક્ટોબર, 2007માં 72 વર્ષના, દેશવટો ભોગવતા દલાઈ લામાને અમેરિકાએ સર્વોચ્ચ નાગરિક ઍવૉર્ડ આપી સન્માન્યા હતા.