સોનાની ધોંહરીએ ધોરીડા જોડ્યા મારા રાજ, રૂપાની ધોંહરીએ ધોરીડા જોડીયા મારા રાજ‘, ૨.૧૬ લાખ હે.માં કપાસ તેમજ ૫૬ હજાર હે.માં મગફળી સાથે કુલ ૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી
મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે ત્યારે વાદલડીએ આ વેરાન ભાસતી ભૂમિ પર અમૃત વર્ષા કરી છે. વરસાદથી તૃપ્ત બની વાતાવરણ જાણે આળસ ખંખેરી ઉભું થયું છે અને અહલાદક બની ગયું છે. વનરાજી પણ લીલેરી ચાદર ઓઢી સૃષ્ટિને વધુ અલંકારિક બનાવી રહી છે. આવા નયનરમ્ય અને મનોહર વાતાવરણમાં વાવણી કરતા ખેડૂતોને જોઈને પેલું ગીત હૈયે રમવા લાગે:
‘ધમડે કાંઈ રૂપલાના હીર, ધમડે કંઈ સોનાના હીર.
સોનાની ધોંહરીએ ધોરીડા જોડ્યા મારા રાજ,
રૂપાની ધોંહરીએ ધોરીડા જોડીયા મારા રાજ’.
વાવણી કરતા ખેડૂતના મુખ પરનો રાજીપો જીલી લેતું આ ગીત ખેતીની એ જૂની પરંપરા યાદ કરાવે છે. આ પરંપરા તો હવે ભૂલાવા લાગી છે પરંતુ વાવણીનું મહત્વ હજી એજ છે. સારા એવા વરસાદ પછી ખેડૂતોએ ધરણી પર વાવેતર કર્યું છે. પહેલાના સમયમાં તો ખેડૂતો બળદ જોડીને ખેતર ખેડતાં ત્યારે જાણે કે બળદ સાથે વાતો કરતા કરતા, ગીત ગાતાં ગાતાં વાવણી કરતા અને પ્રહલાદ પારેખના શબ્દોમાં કહીએ તો કંઈક આવું ગાતાં હોય:
‘હાલો મારા શામળાને હાલો મારા ધોળીયા,
આકાશે આવ્યો પેલો મહુલો જી.
તારા તે રંગ કેરો મેહુલો છે શામળાને
તારા તે રંગ કેરી વીજ અલ્યા ધોળીયા’.
સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ મેહુલિયે મહેર કરી છે. પરિણામે વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના ૯૩ ટકાથી વધુ જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ખેડવાલાયક કુલ ૩.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ ૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે ૯૩ ટકાથી વધુ જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.
વિગતે વાત કરીએ તો, અંદાજે ૧૦૫ હેક્ટરમાં બાજરી, ૬૦૦ હેક્ટરમાં તુવેર, ૨૨૫ હેક્ટરમાં મગ, ૧૧૦ હેક્ટરમાં મઠ, ૪૧૫ હેક્ટરમાં અડદ, ૫૬,૫૧૫ હેક્ટરમાં મગફળી, ૭૭૦ હેક્ટરમાં તલ, ૫૪૫ હેક્ટરમાં દિવેલા, ૪૭૦ હેક્ટરમાં સોયાબીન, ૧,૪૬,૨૫૫ હેક્ટરમાં કપાસ (પિયત), ૭૦,૧૬૫ હેક્ટરમાં કપાસ (બિનપિયત), ૧૮૦ હેક્ટરમાં ગુવાર, ૧૯૯૨ હેક્ટરમાં શાકભાજી, ૨૧,૫૪૫ હેક્ટરમાં ઘાસચારો તથા ૫૫ હેક્ટરમાં શેરડી અને ૬૫૦ હેક્ટરમાં અજમો વગેરે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તુલનાત્મક અભ્યાસની દ્રષ્ટીએ જોઈએ તો ગયા વર્ષે ૧૧ જુલાઈ સુધીમાં ૬૫ ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે હાલ આજ સુધીમાં ૯૩ ટકાથી વધુ વાવેતર થઈ ચુક્યું છે. સારા વરસાદના પગલે જિલ્લામાં સારી એવી વાવણી કરવામાં આવી છે.
આ વાવણી અન્વયે હળવદ તાલુકામાં ૭૦,૪૮૫ હેક્ટર, માળિયા(મિ) તાલુકામાં ૪૬,૯૦૦ હેક્ટર, મોરબી તાલુકામાં ૮૬,૭૫૦ હેક્ટર, ટંકારા તાલુકામાં ૪૦,૪૬૦ હેક્ટર અને વાંકાનેર તાલુકામાં ૫૬,૦૦૨ હેક્ટર મળી કુલ ૩,૦૦,૫૯૭ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ‘વાવ્યા છે બીજ મેં મેલી છુટા હાથ, હવે તો વાદળ જાણે ને જાણે દિનો નાથ’ એવી લાગણી સાથે પરમાત્મા પર ભરોસો રાખી વાવેતર કર્યું છે.