આજથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આજથી ૧૦ લાખ સુધીની વીમા સહાય મળશે

આયુષ્માન કાર્ડ ધારકોના પરિવારજનોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે

        આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે. મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ. ૧૦ લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો.

રૂ. ૧૦ લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે. અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે. જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃધ્ધિમાં વધારો થશે.

રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ ૨૦૨૭  સરકારી અને ૮૦૩ જેટલી ખાનગી તેમજ ૧૮  કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ ૨૮૪૮ હોસ્પિટલ એમ્પેનલ છે. આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને ૨૪૭૧ જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.

અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૨ મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.૨ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ મા આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્મમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. ૩ લાખ કરવામાં આવી હતી.

નરેન્દ્રભાઇ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ ૨૦૧૮ માં PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ. ૫ લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી, જેને ગુજરાત સરકારે પણ અપનાવી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે  રૂ. ૧૦ લાખની થઇ છે.