મોરબી જિલ્લા પંચાયત કારોબારીના પ્રયત્નોથી નિરાધાર બાળકોને મળ્યો આધાર

મોરબીના ચરડવા ગામના ત્રણ ગરીબ બાળકોએ પોતાના પિતાનું અવસાન થતાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી એમાંય વળી આ ગરીબ બાળકોની માતા નાના ભૂલકાંઓને તરછોડી પૂનરલગ્ન કરી લીધા હોય બે દિકરીઓ અને એક દિકરો અનાથ બની ગયા હતા,અને પોતાના વૃદ્ધ દાદાની સાથે દુઃખભરી જિંદગી વિતાવતા હતા,ચરડવા ગામના પૂર્વ સરપંચ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને વર્તમાન કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાનું ધ્યાન આ બાળકો તરફ ગયું એમને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કર્યો,જરૂરી આધારો સાથે ત્રણેય બાળકો માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અરજી કરી

જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓએ રૂબરૂ ઘર તપાસ, જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી,ત્રણેય બાળકોને ફરજીયાત શાળાએ મોકલવા, સહાયની રકમ બાળકોના હિતમાં વાપરવી, બાળકનો ઉછેર યોગ્ય રીતે કરવો વગેરે શરતો અને બોલીઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ અર્થે લક્ષ્મી સાગરભાઈ થરેસાને પાલક માતા-પિતા નામે કાંતિભાઈ કાળુભાઈ થરેસા,ખુશી સાગરભાઈ અને ભૂમિ સાગરભાઈ થરેસાને ગીતાબેન રામજીભાઈ થરેસાને સ્પોન્સર એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમિટી-મોરબી દ્વારા ઉપરોક્ત બાળાઓને પાલક માતા પિતા યોજના હેઠળ માસિક રૂપિયા 3000/- ની સહાય તેમજ દિકરીઓનો જ્યારે લગ્નપ્રસંગ આવે ત્યારે રૂપિયા બે લાખની સહાય કરવાના મંજૂરી પત્રો જિલ્લા કલેક્ટર,જી.ટી.પંડ્યા નિવાસી કલેક્ટર, એન.કે.મુછાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી – વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશીયા, અન્ય જિલ્લા અધિકારીઓ વિગેરેની ઉપસ્થિતમાં અર્પણ કરાયા હતા. આંગળી ચિંધ્યાના પુણ્ય બદલ કલેકટર જી.ટી.પંડ્યાએ કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાને ધન્યવાદ પાઠવ્યા હતા.